



વાગરાની મુસ્કાન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં 44 જેટલાં લોકો અજમેરના પ્રવાસે ગયાં હતાં. જ્યાંથી પરત આવતી વેળાં બસની બ્રેક ફેલ થતાં સરભાણ અને માતર ગામ વચ્ચેના વળાંક પર બસ પલટી ગઇ હતી. ઘટનામાં 10 મુસાફરોને ઇજાઓ થઇ હતી.
જ્યારે અન્ય 34 લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકે, આ લખાય છે ત્યાં સુધી ઘટના અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. વાગરા ખાતે આવેલાં મુસ્કાન ટ્રાવેલ્સે અજમેરનો પ્રવાસ ઉપાડ્યો હતો. જેમાં 36 જેટલાં મુસાફરો તેમજ ટૂરના અન્ય વ્યક્તિઓ સહિત 44 લોકો અજમેર ગયાં હતાં. જ્યાંથી આજે શનિવારે તેઓ પરત આવી રહ્યાં હતાં. તે વેળાં આમોદ તાલુકા સરભાણથી માતર ગામ જવાના રોડ પરથી પસાર થતાં સમયે તેમની બસની બ્રેક ફેઇલ થતાં બસ બેકાબુ બની હતી.
તે દરમિયાનમાં વળાંક પર સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતાં બસ પલટી ગઇ હતી. અકસ્માતમાં 10 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં તે પૈકીના 6 મુસાફરોને સારવાર માટે આમોદ સીએચસીમાં જ્યારે અન્ય 4 મુસાફરોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે બસમાં સવાર અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.જોકે આ લખાય છે ત્યાં સુધી બનાવ સંદર્ભે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.