



- યુવાને બાળકીને શૌચાલયમાં લઇ જઇ પીંખી નાખી
- પોલીસે મૃતક વિરૂદ્ધ પોક્સો-દુષ્કર્મનો ગુનો નોંધ્યો
- હત્યાના ગુનામાં બાળકીના પિતાની ધરપકડ
અંક્લેશ્વરમાં માત્ર 5 વર્ષની બાળકીને બિસ્કીટ-ચોકલેટની લાલચ આપી પાડોશમાં જ રહેતાં એક યુવાને લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. જોકે, પુત્રી સાથે થયેલાં દુષ્કર્મથી ક્રોધે ભરાયેલાં પિતાએ યુવાન પર પોતાનો ગુસ્સો ઉતારતાં લાકડીના સપાટા મારતાં તેનું સારવાર વેળાં મોત થયું હતું. જેના પગલે અંક્લેશ્વર સીટી પોલીસે બાળકી સાથે દુષ્કર્મનો ગુનો નોંધવા સાથે યુવાનને મોતને ઘાટ ઉતારવા સબબ પિતા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અંક્લેશ્વરના એક ગામમાં રહેતાં લાલુ રાજુ બિહારી(ભૈયા) નામના યુવાને તેના પાડોશમાં જ રહેતી 5 વર્ષની બાળકીને ચોકલેટ-બિસ્કીટ અપાવવાના બહાને લલચાવી પોતાની સાથે લઇ ગયો હતો. પોતાના ઘરે શૌચાલયમાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, યુવાનની બહેને બાળકીની રોકકડ સાંભળી તેને બહાર કાઢી તેના પરિવારને સોંપ્યાં બાદ બાળકીના માતા-પિતાને તેની સાથે લાલુ રાજુ બિહારીએ દુષ્કર્મ કર્યું હોવાની જાણ થતાં પરિવાર રોષે ભરાયો હતો.
બાળકીના પિતાએ લાલુ બિહારીને લાકડીના સપાટાથી માર મારતાં તેને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે અંક્લેશ્વર શહેર પોલીસે પ્રાથમિક વિગતોના આધારે બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં મૃતક લાલુ બિહારી વિરૂદ્ધ પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત પુત્રી સાથે દુષ્કર્મ કરનાર લાલુને માર મારતાં તેનું મૃત્યુ થયું હોઇ પિતા સામે પણ હત્યાનો ગુનો નોંધ્યો છે.
યુવાને કયાં સંજોગોમાં દુષ્કર્મ આચર્યું તેની તપાસ શરૂ
માસુમ બાળકી પર દુષ્કર્મ કરનાર યુવાન સામે હાલમાં પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે પુત્રી સાથે બનેલી ઘટનાથી રોષે ભરાયેલાં પિતાએ યુવાનને માર મારતાં તેનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો પણ નોંધાયો છે. ત્યારે બન્ને ઘટનાઓમાં તપાસ ચાલી રહી છે. યુવાને કયાં સંજોગોમાં દુષ્કર્મ આચર્યું તેની પણ તપાસ ચાલી રહી છે. – ચિરાગ દેસાઇ, ડીવાયએસપી
બાળ અધિકાર દિવસે જ બાળકી પર દુષ્કર્મ ગુજારાયું
અંક્લેશ્વરમાં ગઇકાલે શુક્રવારે બાળ અધિકાર દિવસે જ દુષ્કર્મના બે કેસ નોંધાયાં હતાં. જેમાં એક સગીરાને તેના મિત્રએ દારૂના નશામાં શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે અંક્લેશ્વરના જ એક ગ્રામ્ય વિસ્તારમાં 5 વર્ષની બાળકીને તેના જ પાડોશીએ બિસ્કીટ-ચોકલેટની લાલચ આપી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીની બહેને બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો હતો
માત્ર 5 વર્ષની બાળકી પર યુવાને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં પોલીસ તમામ પાસા તપાસી રહી છે. ત્યારે પ્રાથમિક તબક્કે આરોપી યુવાને બાળકીને લાલચ આપી પોતાની સાથે લઇ આવી શૌચાલયમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાળકીએ ઘટનાથી ડઘાઇ જઇ રોકકડ કરતાં આરોપીની બહેને તેને તેને બહાર કાઢી તેના પરિવારને સોંપી હતી.
સ્થાનિક લોકોની બાળકીના પિતા પ્રત્યે સહાનુભૂતિ
પુત્રી સાથે દુષ્કર્મ થતાં પિતાએ તેને લાકડીના સપાટા મારતાં તેનું મોત થયું છે. ત્યારે છાસવારે બનતી આ પ્રકારની ઘટનાઓને લઇને લોકોમાં રોષ ફેલાયો છે. પિતાએ યુવાનને માર મારતાં તેનું સારવાર વેળાં મોત થતાં એક તરફ પુત્રીની ઇજ્જત ગુમાવ્યાં બાદ હવે તેમની સામે હત્યાનો ગુનો નોંધાતાં ધરપકડ થતાં બેવડા આઘાતમાં સરી પડ્યા હતા.