



એક પણ રજા વગર કામ કરી સફળતા મેળવી, બાળકોને શોધવા બદલ કોન્સ્ટેબલમાંથી એએસઆઇનું પ્રમોશન મેળવનાર સીમા પ્રથમ
દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમા ઢાકાએ ત્રણ મહિના સુધી એક પણ રજા રાખ્યા વગર સખત મહેનતથી કામ કર્યું. અને માત્ર આટલા જ સમયગાળામાં ગુમ થયેલા 76 બાળકોને શોધી કાઢ્યા હતા, જેને પગલે સીમાની કામગીરીની ભારે ચર્ચા થઇ રહી છે અને તેને દિલ્હી પોલીસે આ કામગીરી બદલ પ્રમોશન પણ આપ્યું છે.
સીમા અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, જોકે હવે તેમને અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સીમાને દિલ્હી પોલીસે આઉટ ઓફ ટર્ન પ્રમોશનથી સન્માનિત કર્યા હતા.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સીમા પહેલા એવા પોલીસકર્મી બની ગયા છે કે જેને આઉટ ઓફ ટર્ન પ્રમોશન મળ્યું હોય. સીમાએ 10 નહીં પણ 76 ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા છે. જેને પગલે દેશભરમાં સીમાની કામગીરી ચર્ચા થઇ રહી છે.
સીમાએ એક નિવેદનમાં કહ્યું હતું કે હું એક મા છું અને ક્યારેય નથી ઇચ્છતી કે કોઇ પોતાનું બાળક ખોવે. અમારી પાસે ગુમ બાળકોની રિપોર્ટ આવી તે બાદ સતત કામે લાગી ગયા અને 24 કલાક સુધી મહેનત કરી છે ત્યારે આ બાળકો મળી આવ્યા છે.
સીમા માટે પશ્ચિમ બંગાળના એક ગામથી આવેલી બાળકીને શોધવી સૌથી મોટો પડકાર હતા. બાળકીની માતાએ બે વર્ષ પહેલા ફરિયાદ કરી પણ બાદમાં તેણે પોતાનો મોબાઇલ અને સરનામુ બદલી નાખ્યું. અમે આ દરમિયાન તપાસ શરૂ કરી ત્યારે પુરમાં પણ બે નદીઓને પાર કરીને એક ગામડામાં પહોંચ્યા હતા. અમે ગમે તેમ કરીને બાળકોને શોધવામાં અને તેને બચાવવામાં સફળ રહ્યા.