



મોસ્કો, તા.22 નવેમ્બર 2020, રવિવાર
કોરોનાકાળ વચ્ચે રશિયાના એક ગામમાં યોજાયેલી દારુની પાર્ટીમાં એક એવી ઘટના બની હતી જેના કારણે આખો દેશ હેરતમાં પડી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે રશિયાના તાતિન્સકી નામના જિલ્લાના એક ગામમાં દારુની પાર્ટી ચાલી રહી હતી અને તેમાં 9 લોકો સામેલ થયા હતા.પાર્ટીમાં દારુ ખુટી પડ્યો હતો અને એ પછી દારુના નશામાં લોકોએ સેનિટાઈઝર પીવા માંડ્યુ હતુ.જેનુ પરિણામ એ આવ્યુ છે કે, સાત લોકોના મોત થયા છે અને બાકીના બે વ્યક્તિ કોમામાં છે.
લોકોએ જે સેનિટાઈઝર પી લીધુ હતુ તેમાં 69 ટકા મિથેનોલ હતો.જે જીવાણુઓને મારવા માટે વપરાય છે.મરનારા પૈકીના 3ના મોત સ્થળ પર જ થયા હતા.બાકીના 6ને એરક્રાફ્ટ મારફતે વધારે સારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ચાર લોકોને બચાવી શકાયા નહોતા.બાકીના બે વ્યક્તિઓ હજી પણ કોમામાં છે.
એ પછી રશિયન સરકારે લોકોને અપીલ કરી છે કે, સેનિટાઈઝરને પીવાથી દુર રહેજો.આ તમારા માટે ઘાતક પૂરવાર થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, રશિયામાં અત્યાર સુધીમાં 20 લાખ કોરોનાના કેસ થયા છે અને 35000 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુક્યા છે.