



દહેજમાં આવેલી દાયચી કંપનીમાં પ્રોડક્ટ ફિલીંગ વેળાં ફિલ્ટર ક્લોથ ફાટતાં સોલ્વન્ટમાં આગ ભભુકી હતી. મધ્યરાત્રીના 2.30 વાગ્યાના અરસામાં બનેલી ઘટનાથી કર્મીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે આગમાં કોઇને જાનહાની થઇ ન હતી. ઘટનાને પગલે દાયચી કંપની સહિત આસપાસની કંપનીના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.દહેજમાં આવેલી દાયચી કંપનીમાં ગઇકાલે રાત્રીના સમયે સોલ્વન્ટ બેઝ્ડ પ્રોડક્ટનું ફિલિંગનું કામ ચાલી રહ્યું હતું. તે વેળાં મધ્યરાત્રીના 2.30 વાગ્યાના અરસામાં ફિલ્ટર ક્લોથ ફાટતાં સ્ટેટીક ચાર્જ થતાં સોલ્વન્ટમાં આગ ભભુકી હતી. આગ લાગતાં ત્યાં કામ કરતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
પ્લાન્ટમાં સોલ્વન્ટની માત્રા હોઇ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં આખો પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓમાંથી લાશ્કરોની ટીમ દોડી આવી હતી. જોકે, ભારે જહેમત બાદ સવારના 6 વાગ્યા સુધીમાં આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો.