



સંજય પટેલ – જંબુસર શહેરમાં નવા બનેલા એસટી ડેપોમાં વારંવાર પાણી ભરાઇ જવાના બનાવો બને છે. ડેપોની ગટર પણ ભરાઈ જવાને કારણે ગટરો ઉભરાઈ બહાર પાણી આવે છે. જેને લઇ મુસાફરો હેરાન પરેશાન થઇ જવા પામ્યા છે.
જંબુસર શહેરમાં નવનિર્મિત એસટી ડેપોમાં તાલુકાની જનતા રોજબરોજ આવનજાવન કરતી હોય છે, અથવા પોતાને ગામડે જતી જનતાને એસટી ડેપોનો સહારો લેવો પડતો હોય છે. નવા બનેલ એસટી ડેપોમાં સત્તાધીશોની અણઆવડતને કારણે મુસાફર જનતાને વેઠવાનો વારો આવ્યો છે. અગાઉ ચોમાસા દરમ્યાન પણ ડેપોના ગેટ પાસે પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. જાણે પાણી નિકાલની વ્યવસ્થા જ ન હોય હાલ જંબુસર ડેપોમાં ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાય છે. ગટરો ઉભરાતા તેનું દુર્ગંધયુક્ત પાણી બહાર ડેપો સંકુલમાં ચાલતા મુસાફરોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફર જનતાની બસમાં બેસવા જતા કે બસમાંથી ઉતરતા ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. જેને લઈ મુસાફરોમાં સત્તાધીશો વિરૃદ્ધ રોષની લાગણી જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણીથી ડેપો ભરચક થઈ જવા પામ્યું છે. છતાંય ડેપો સત્તાધીશોએ ઊંઘ ઊડતી નથી. સરકાર દ્વારા મસમોટો ખર્ચ કરી જંબુસર ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું. પરંતુ ડેપોમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.