



કેયુર પાઠક – એક તરફ ભરૂચ અને અંકલેશ્વર ને ટ્વીન સિટી બનાવવાની મોટી ગુલબાંગો સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે બંને શહેરના વિકાસની ઉપર દ્રષ્ટિ કરીએ તો કોઈપણ રીતે ટ્વીન સિટી બની શકે એવો વિકાસ દેખાતો નથી. ભરૂચની આભા, ઓજસ અને તેજસ્વિતાની સામે અંકલેશ્વર ખાસ્સું ઝાખું પડી રહ્યું છે.
ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં માતરીયા તળાવનું બ્યુટીફીકેશન સંપૂર્ણ થઈ ગયું છે જ્યારે કે અંકલેશ્વરમાં ગામતળાવના બ્યુટીફીકેશનની કામગીરી વર્ષોથી ચાલી રહી છે પરંતુ કામ ખોરંભે પડ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે નિષ્ફળ સાબિત થયા છે એ નિર્વિવાદ હકીકત છે.
આ ઉપરાંત ભરૂચમાં ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદામૈયા બ્રીજ રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો અને બાંધકામ પણ પૂરજોશમાં ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ ઉપરાંત ભરૂચની શ્રવણ બાયપાસ ચોકડી પર પણ બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે. ભોલાવ ખાતે પણ ફ્લાય ઓવરનું નિર્માણ એક મોટી સિદ્ધિ ગણી શકાય. આની સરખામણીએ અંકલેશ્વરમાં પી.ડબ્લ્યુ.ડી હસ્તક આવતા રસ્તાઓમાં પણ ઠેર ઠેર ખાડા હજુ પણ દેખાઈ રહ્યા છે. ધૂળ અને ગંદકીથી લોકો ત્રાહિમામ છે. જે અંગે તમામ સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ફળ ગયા છે. સબળ નેતાગીરીની ખોટ પૂરી શકે એવા સક્ષમ અધિકારીઓ પણ અંકલેશ્વરના નસીબમાં લખાયાં નથી એ કરમની કઠણાઈ જ કહેવાય.
ભરૂચમાં તાજેતરમાં જ 150 બેઠકને મેડિકલ કોલેજની મંજૂરી મળી છે અને એ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ શરૂ થનાર આ મેડિકલ કોલેજને લીધે જિલ્લાના અને તેજસ્વી અને તબીબી ક્ષેત્રમાં જનારા વિદ્યાર્થીઓ ને જિલ્લા બહાર જવાની જરૂર નહીં પડે.
આ સિદ્ધિ ઉપરાંત ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે માર્ગોનુ નિર્માણ થયું છે અને અન્ય માર્ગોનું નિર્માણ કાર્ય ચાલુ છે. આ ઉપરાંત ભરૂચ શહેર વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયું છે તો સાથે જ પાણી પુરવઠાની નવી લાઈન, રસ્તાઓનું બાંધકામ અને અન્ય વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે. આ જોતા ભરૂચનો સાચા અર્થમાં સંપૂર્ણ સુઆયોજિત વિકાસ થઈ રહ્યો છે જેની સામે અંકલેશ્વરમાં અવ્યવસ્થા અને અરાજકતા જ જોવા મળી રહી છે.
અંકલેશ્વર નગરપાલિકા હોય કે પી ડબલ્યુ ડી વિભાગ હોય, આંતરિક સંકલનના અભાવે વિકાસની ગાડીને પાવર બ્રેક લાગી ગઇ છે, જેને લઇને વિકાસ ક્યાંય દેખાતો નથી ત્યારે પ્રજાની અપેક્ષાઓ સંતોષવા માટે અને ભરૂચની સરખામણીએ અંકલેશ્વરને પણ એટલું જ વિકાસશીલ બતાવવા માટે સ્થાનિક નેતાગીરી ઉપરાંત ઉચ્ચ નેતાગીરી અને મોવડી મંડળે પણ શું કરવું એ વિચારવું રહ્યું. અન્યથા ભરૂચ અંકલેશ્વરની ટ્વીન સીટીની કલ્પના પરિકલ્પના જ બની રહેશે એમાં શંકાને સ્થાન નથી.