



- પાકિસ્તાન, બાંગ્લાદેશ પેસેન્જર જહાજમાં રસ દાખવતા નથી
- શિપબ્રેકરો હવે “થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે
સમગ્ર વિશ્વની મંદી એ અલંગ શિપબ્રેકિંગ યાર્ડ માટે તેજી સમાન હોય છે, આ અર્થશાસ્ત્રનો વણલખ્યો નિયમ પ્રસ્થાપિત થઇ ચૂક્યો છે. કોરોનાને કારણે ગત માર્ચ માસથી ક્રૂઝ શિપના વ્યવસાયો બંધ હાલતમાં છે, અને તેઓના માલીકોને આર્થિક સંકડામણમાં આ જહાજો લાવી રહ્યા છે, તેથી મોટાભાગના ક્રૂઝ જહાજો ભાંગવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત આવી રહ્યા છે. આગામી બે માસમાં અલંગમાં 12 પેસેન્જર જહાજ ભાંગવા માટે આવે તેવા સંજોગો આકાર લઇ રહ્યા છે.
ક્રૂઝ લાઇન સાથે સંકળાયેલા માર્ક ગ્લોવાસ્કીએ ટ્વીટર પર સંવાદ દરમિયાન જણાવ્યુ હતુકે, તૂર્કિમાં 15 પેસેન્જર જહાજો ભાંગવા માટે લાંગરી ચૂકેલા છે, તાજેતરમાં મારેલા ડ્રીમ શિપ તૂર્કિ માટે વેચાયુ છે. પરંતુ ત્યાં આગામી 3 મહિના સુધી નવી કોઇ ક્ષમતા બચી નથી. બીજી તરફ, દક્ષિણ એશિયાના સૌથી મોટા શિપબ્રેકિંગ વ્યવસાય ધરાવતા પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત સામેલ છે. તે પૈકી પાકિસ્તાન અને બાંગ્લાદેશ પેસેન્જર જહાજો ભાંગવા માટે ઓછી રૂચી ધરાવે છે. તેની સરખામણીએ ભારતના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પેસેન્જર જહાજો વેચાવા માટે બજારમાં આવ્યા છે.
અલંગના શિપબ્રેકરો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.અગ્રણી શિપબ્રેકર હરેશભાઇ પરમારના મતે, પેસેન્જર જહાજ માટેના ભાવ હજુ 20થી 50 ડોલર અમારી ગણતરી પ્રમાણે વધુ છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આવા જહાજ ખપે તેવી ઓછી શક્યતા છે, જ્યારે તૂર્કિમાં હાલ ક્ષમતા ઓછી છે, તેથી અલંગ સીવાય તેઓની પાસે વિકલ્પો ઓછા છે. પેસેન્જર ક્રૂઝ શિપના માલીકોને હવે જહાજ રાખવા પોસાણ થઇ રહ્યું નથી. છેલ્લા 9 માસથી ક્રૂઝ લાઇન્સ બંધ છે, મોટાભાગના દેશોમાં આવન-જાવન પર પ્રતિબંધો છે, મુસાફરોમાં ખોફ ફેલાયેલો છે, તેથી ક્રૂઝ વ્યવસાય ઠપ્પ થઇ ચૂકેલો છે. બંધ પડેલા વ્યવસાય વચ્ચે પણ ક્રૂઝ શિપના કર્મચારીઓ (ક્રૂ મેમ્બરો)ના પગાર, જહાજનો રખરખાવ ખર્ચ, જે પોર્ટ પર રાખવામાં આવ્યુ હોય તેના પોર્ટ ચાર્જીસ સહિતના ખર્ચા માલીકોને પોસાણ થાય તેમ નથી.
એક્સપર્ટ ઓપિનિયન પેસેન્જર જહાજો માટે અલંગ આદર્શ સ્થળ ગણી શકાય
શિપબ્રેકિંગ વ્યવસાય સાથ સંકળાયેલા જીતુભાઇ કામદારના મતે, પેસેન્જર જહાજોમાંથી મુખ્યત્વે કેબિનો, ક્રોકરી, ઇલેકટ્રોનિક્સ આઇટમો, ઓછાડ, ચાદર, ફર્નિચર, શો-પીસ, સુશોભનની વસ્તુઓ, જીમના સાધનો નીકળે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આ વસ્તુઓ માટેની રીટેલ બજાર નથી, જ્યારે અલંગમાં 600થી વધુ ખાડા (શો-રૂમ)માં આવી વસ્તુઓ વેચવામાં આવે છે અને છુટક બજારને પ્રતિસાદ સારો મળી રહે છે.
ગ્રાન્ડ સેલિબ્રેશન જાન્યુઆરીમાં અલંગ આવશે
પેસેન્જર જહાજોમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામેલા લકઝરિયસ ક્રૂઝ ગ્રાન્ડ સેલિબ્રેશનને ભાંગવા માટે અલંગમાં વેચાયુ છે અને તે પોતાની અંતિમ યાત્રાએ નિકળી ચૂક્યુ છે. જાન્યુઆરી-2021માં 1496 મુસાફર ક્ષમતા, 670 ક્રૂ ક્ષમતા, 223 મીટર લાંબુ, 28 મીટર પહોળુ જહાજ કોરોનાને કારણે આર્થિક મુશ્કેલીઓમાં સપડાયુ હતુ. અન્ય એક પેસેન્જર ક્રૂઝ મારેલા ડ્રીમ તૂર્કિમાં ભંગાવા માટે વેચવામાં આવ્યુ છે.