



અંકલેશ્વર નગરપાલિકા પાસે બાંકડા ખૂટી ગયા છે કે પછી ભરૂચ નગરપાલિકા પાસે વધી પડયા છે???
2017-18ની સાલના બાંકડા અંકલેશ્વરના વોર્ડ નંબર 2 માં નજરે પડી રહ્યા છે..
કેયુર પાઠક – અંકલેશ્વર તેમજ ભરૃચ નગર પાલિકાનો વહીવટ કેવો ચાલી રહ્યો છે એ અંગે હજુ સુધી લોકો પણ સમજી નથી શક્યા આવો જ એક દાખલો તાજેતરમાં જ જોવા મળ્યો છે. ભરૂચ નગરપાલિકાના બાંકડા અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે.
અંકલેશ્વરના વોર્ડ નંબર 2 માં આવેલા તાડ ફળીયા ઉન્નતિ નગર વિસ્તારના મુખ્ય માર્ગ પર એક બાંકડો જોવા મળ્યો છે જેના પર ભરૂચ નગરપાલિકા કોતરાયેલું છે અને વર્ષ બતાવે છે 2017-18. અનેક રાહદારીઓ બાંકડો જોઇને મૂંછમાં ક્યાં તો મૂંછ વગર પણ હસતા પસાર થઈ રહ્યા છે અને બંને નગરપાલિકાના વહીવટની ઉપર અનેક ટિપ્પણીઓ પણ કરતા જોવા મળી રહ્યા છે. આ કૌતુક કેવી રીતે થયું એ સામાન્ય પ્રજાની સમજની બહારની વસ્તુ છે.
અંકલેશ્વર નગરપાલિકામાં બાંકડા કૌભાંડ એમ પણ ગાજ્યું છે. એક તરફ નગરપાલિકા દ્વારા જૂના બાંકડાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે અને નવા બાંકડાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે 2017-18 ની સાલના ભરૂચ નગરપાલિકાના નવા નક્કોર બાંકડા અંકલેશ્વરમાં કેવી રીતે આવ્યા એ પણ એક વિજીલન્સ તપાસનો વિષય છે.
લોકોમાં ચાલતી ચર્ચા મુજબ ક્યાં તો અંકલેશ્વર નગરપાલિકામાં આવનારી ચૂંટણી પહેલાં જ બાંકડા કૌભાંડ આચરવામાં આવ્યું છે અને બાંકડા ખૂટી પડ્યા છે કે પછી ભરૂચ નગરપાલિકા એ પોતાના વધારાના બાંકડા અંકલેશ્વર નગરપાલિકાને ભેટ આપ્યા છે??? આ ખરેખર વિચાર માંગી લે એવી બાબત છે અને આ અંગે ઉચ્ચસ્તરીય તપાસ પણ અનિવાર્ય છે.
આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલાડીયા અને પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહનો સંપર્ક કરતાં બંનેના ફોન નો રીપ્લાય આવ્યા હતા.