



કેયુર પાઠક – ઔધોગિક વસાહતનો પાયો નાખનાર અહેમદ પટેલ આરોગ્ય અને અન્ય ક્ષેત્ર સાથે પણ ગાઢ રીતે સંકળાયેલા હતા…
અહેમદ પટેલ ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા હતા. તેઓ આજે રહ્યા નથી એનો વિશ્વાસ હજુ જનતાને થતો નથી. નાના, મોટા અને કોઇ પણ પાર્ટીના નેતા પણ તેઓને અહેમદભાઇ કહીને જ બોલાવતા હતા. તેમના નિધનથી સમગ્ર ભરૂચ અને નર્મદા જિલ્લો જ નહીં પરંતુ આખું ગુજરાત અને રાષ્ટ્ર શોકમાં ગરકાવ થઈ ગયું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પીરામણથી છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા, પરંતુ તેમનો પીરામણ ગામ સાથેનો નાતો અતૂટ રહ્યો હતો. તેઓ અવાર-નવાર પીરામણ ગામની મુલાકાતે આવતા હતા અને કાર્યકરો અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા હતા અને ગામની સમસ્યા તથા મુશ્કેલીઓ અંગે પણ વાત કરીને એનો નિકાલ કરતા હતા.
હેમત પટેલ ની ગણના કુશાગ્ર અને બુદ્ધિશાળી રાજનેતા તરીકે થતી હતી. તેઓ ઉત્તમ વક્તા પણ હતા અને રાજકીય વેરભાવ કે દ્વેષભાવ વિના તમામ પાર્ટીના નેતાઓ સાથે ઉષ્માસભર વર્તન દાખવતા હતાં. તેઓ કોંગ્રેસની કોઈપણ કપરી પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સક્ષમ હતા તેઓનું હીર સૌપ્રથમ ઇન્દિરા ગાંધીએ પારખ્યું હતું અને એટલે જ તેમને દિલ્હી સુધી ખેંચી લાવ્યા હતા પીરામણ થી પાર્લામેન્ટ સુધીની તેમની યાત્રા અનેક ઉતાર-ચઢાવ થી ભરપુર રહી છે. તેઓ સોનિયા ગાંધીના સૌથી અંગત સલાહકારોમાં સામેલ હતા. પટેલની ગણતરી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં થતી હતી, પણ તેઓ ક્યારેય સરકારનો હિસ્સો નહોતા રહ્યા. ગાંધી પરિવાર સાથે પટેલનો સંબંધ ઈન્દિરાના જમાનાથી હતો. 1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા, તો ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી હતી.
અહેમદભાઈ પટેલના પ્રયત્નોથી જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ભેટ મળી હતી આજે ભરૂચ જિલ્લો અને ખાસ કરીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત એશિયામાં પ્રથમ કક્ષાની વસાહત ગણાય છે એની પાછળ અહેમદભાઈ પટેલનો સિંહ ફાળો છે. આ ઉપરાંત અંકલેશ્વર ભરૂચ ની વચ્ચે ટ્રાફિકની કાયમી સમસ્યાના નિરાકરણ માટે અહેમદભાઈ પટેલે જ રાતોરાત યુપીએ સરકારમાં બજેટ મંજૂર કરાવીને ગ્રાન્ટ ફાળવી હતી જેને પ્રતાપે આજે કેબલ બ્રિજ ઊભો છે. અંકલેશ્વરની ઈ એસ આઈ સી હોસ્પિટલ હોય કે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ હોય તમામ ક્ષેત્રે અહેમદભાઈ પટેલે ભરૂચ જિલ્લાને મલક સેવાઓ પૂરી પાડવામાં અગ્રીમ મહત્વની ભૂમિકા ભજવી છે.
કોઇપણ અદના વ્યક્તિ માટે પણ હંમેશા પ્રેમભર્યું વર્તન દાખવનાર અહેમદભાઈ પટેલે અંકલેશ્વર તાલુકાના ભરૂડી ગામે આવેલ બલબલા કુંડ અને મંદિરના નવનિર્માણ માટે પણ પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી.