



દિલ્હીમાં કોરોના વાયરસ અંગે સ્થિતિ ગંભીર થતી જાય છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ દિલ્હીમાં જ સામે આવી રહ્યા છે. ગુરૂવારે દિલ્હીમાં 6224 નવા કેસો સામે આવ્યા જ્યારે કુલ 61381 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 100થી વધુ મોત પણ નોંધાયા છે. અત્યારે દિલ્હીમાં 38 હજારથી વધુ સક્રિય કેસો છે જ્યારે અત્યાર સુધીમાં 8621 મોત કોરોના સંક્રમણના કારણે થયા ચૂક્યા છે.
દિલ્હીના છાવલા વિસ્તારમાં રાધાસ્વામી સત્સંગ બ્યાસના કેમ્પસમાં દુનિયાનું સૌથી મોટું કોવિડે કેન્દ્ર સંચાલિત કરવામાં આવી રહ્યું છે. સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરની કમાન ભારતના અર્ધલશ્કરી દળો આઈટીબીપીના હાથમાં છે. દિલ્હીમાં કોરોનાના વધતા દબાણને જોઈને અહીં 1000થી વધઉ બેડ વધારે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આઈટીબીપીના ડીજી એસ એસ દેશવાલે કહ્યું છે કે સરદાર પટેલ કોવિડ કેર કેન્દ્રની ક્ષમતાને બે હજાર બેડથી વધારીને 3 હજાર બેડની કરવામાં આવી રહી છે.
સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરના કમાન્ડિંગ ઓફિસર એ પી જોશીના અનુસાર, અત્યારે અહીં પાંચસો સંક્રમિત લોકો જ દાખલ છે જ્યારે ઓક્સિજન સપોર્ટવાળા પાંચસો ઓક્સિજન બેડ લગાવવામાં આવી રહ્યા છે. દર્દીઓની ઓછી સંખ્યાના સવાલ પર તેઓ કહે છે, ‘આ સેન્ટર ગરમીના હિસાબે તૈયાર કરાયું હતું. એ હિસાબે સુવિધાઓ તૈયાર કરાઈ હતી. હવે અહીં ઠંડીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.’ દિલ્હીમાં વધતા કોવિડના કેસોએ સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ વધારી દીધું છે. તેની સાથે જ કામ કરનારા કર્મચારીઓ પર પણ દબાણ વધતું જઈ રહ્યું છે.

આઈટીબીપી કેમ્પમાં તૈનાત મોટાભાગના ડોક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ કેન્દ્રીય દળો સાથે સંકળાયેલા છે અને બહારના શહેરોમાંથી અહીં આવ્યા છે. અત્યાર સુધી આ કેમ્પની પાસે જ હોટેલમાં રહેતા હતા અને તેમના ભાડાંની ચૂકવણી સરકાર તરફથી કરવામાં આવી રહ્યું હતું પરંતુ એક નવા આદેશ અંતર્ગત 15 નવેમ્બર પછી સ્ટાફને કહેવામાં આવ્યું છે કે તેઓ હોટેલના બિલોની ચૂકવણી ખુદ કરે.
આ આદેશના કારણે કોવિડ સેન્ટરમાં કામ કરી રહેલો સ્ટાફ તણાવમાં છે. એક હેડ કોન્સ્ટેબલ જે મેડિકલ નર્સ તરીકે કામ કરી રહી છે, તે કહે છે, ‘અમે રોજ 12 કલાકથી વધુની શિફ્ટ કરી રહ્યા છીએ. તેની સાથે હવે હોટેલના બિલ આપવાનું પણ દબાણ છે. અત્યાર સુધી અમારૂં બિલ સરકાર ચૂકવતી હતી. આનાથી હવે અમને માનસિક તણાવ પણ થઈ રહ્યો છે.’
તે કહે છે, ‘જે હોટેલમાં અમને રાખવામાં આવ્યા છે ત્યાં એક રૂમનું બિલ 1750 રૂપિયા પ્રતિદિન છે. અમારે ચાર લોકોએ એક રૂમમાં રહેવું પડે છે. ત્યારે પણ એ અમારા રોજિંદા બજેટથી બહાર છે.’
એ પી જોશી કહે છે, ‘અત્યાર સુધી સ્ટાફના રહેવાના બિલોની ચૂકવણી સરકાર તરફથી કરાતી હતી. વચ્ચે કોઈ મુશ્કેલી આવી હતી. સ્ટાફે ચિંતા કરવાની જરૂર નથી. તેમને બધા પૈસાની ચૂકવણી કરી દેવામાં આવષે. પરંતુ મેડિકલ સ્ટાફ કહે છે કે તેમને જે હોટેલોમાં રાખવામાં આવે છે તેનું ભાડું તેમના મુસાફરી ભથ્થાથી વધુ છે એવામાં તેમને પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા પડશે.’
સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરમાં કેમિસ્ટ તરીકે તૈનાત આઈટીબીપીના એક કર્મચારી કહે છે, ’15 નવેમ્બર પછી અમને બિલ અમારે જ ચૂકવી દેવાના એવું કહેવામાં આવ્યું છે. અમે સસ્તી હોટેલમાં રહેવાની ઈચ્છા દર્શાવી તો અમને ડિસિપ્લીનરી એક્શનનો ડર બતાવીને રોકવામાં આવ્યા. આ મોંઘી હોટેલ અમારા બજેટની બહાર છે. અત્યારે અમારે અમારા ખિસ્સામાંથી પૈસા આપવા પડે છે. પછી જ્યારે અમને મુસાફરી ભથ્થામાંથી પૈસા મળશે પણ પૂરા નહીં મળે કેમકે હોટેલનું રેન્ટ અમારા ગ્રેડથી વધુ છે.’

તેઓ કહે છે, ‘જો હોટેલના પૈસા અમારે જ આપવાના છે તો અમને એ નક્કી કરવા દેવામાં આવે કે કઈ હોટેલમાં રહેવાનું છે. કેમકે અત્યારે જે હોટેલોમાં અમને રાખવામાં આવી રહ્યા છે તે અમારા ટીએ-ડીએ ક્લાસથી ઉપર છે. અમને એ પણ કહેવામાં આવ્યું હતું કે બિલ ચૂકવવા માટે અમારા ખાતામાં 24 નવેમ્બર સુધી પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ તેઓ માત્ર અધિકારીઓને અપાયા છે. ઈન્સ્પેક્ટર રેન્ક સુધીના કોઈ કર્મચારીને અપાયા નથી.’
સપ્ટેમ્બરમાં જ્યારે મેં અહીંથી રિપોર્ટ કર્યો તો અહીં સ્ટાફમાં ઝીરો ઈન્ફેક્શન હતું. એટલે કે અહીં તહેનાત મેડિકલ સ્ટાફ અને આઈટીબીપીના અધિકારી સંક્રમણથી દૂર હતા. હવે અહીં સ્થિતિઓ બદલી છે. અહીંના કમાન્ડિંગ ઓફિસ પ્રશાંત મિશ્ર સહિત અનેક અધિકારી સંક્રમિત થયા પછી ક્વોરેન્ટાઈનમાં છે.
કોવિડ સેન્ટરમાં તહેનાત એક અન્ય કર્મચારી કહે છે, ‘અગાઉ પરિસ્થિતિઓ અમારા માટે સારી હતી તો અમે પણ સંપૂર્ણ સેવા આપી શકતા હતા. કમાન્ડિંગ ઓફિસર પોઝિટિવ આવ્યા પછી ક્વોરેન્ટાઈનમાં ગયા પછી અહીં સ્થિતિ બદલાઈ છે. હવે સ્ટાફ પણ તણાવમાં છે.’ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરના સંચાલનમાં કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી નગર નિગમ સહયોગ કરે છે. અહીં રાધાસ્વામી સત્સંગ બ્યાસ તરફથી દર્દીઓ અને સ્ટાફને ભોજન આપવામાં આવે છે.
પરંતુ મેડિકલ સ્ટાફનો આરોપ છે કે હવે તેમને મફત મળતા ભોજનના બદલે હોટેલનું ભોજન ખાવા માટે કહેવામાં આવે છે. જેનું બિલ તેમણે ભોગવવું પડે છે. મેડિકલ નર્સ કહે છે, ‘આમ તો અમે ફ્રન્ટલાઈન પર છીએ અને કોરોના વોરિયર છીએ પરંતુ અમને અપાયેલી સુવિધાઓ હવે પરત લઈ લેવાઈ છે. આનાથી અમારૂં મનોબળ તૂટી રહ્યું છે.’
જ્યારે કેમિસ્ટ કહે છે, ‘શરૂઆતમાં અમે ભારે હિંમતથી કામ કરી રહ્યા હતા. પરંતુ હવે અગાઉ જેવી સુવિધાઓ જ અમને મળી રહી નથી. અમને ત્રણ મહિના માટે બોલાવવામાં આવ્યા હતા. હવે અમને પરત જવા દેવાતા નથી અને રજા પણ મળતી નથી. આ બધુ ન હોય તો કંઈ નહીં પણ સુવિધાઓ તો સારી હોય.’ જ્યારે એ પી જોશી કહે છે, ‘જે પણ સમસ્યા આવી રહી છે તેનું સમાધાન કરી દેવાયું છે. કોઈ કર્મચારીએ પોતાના પૈસા ખર્ચ કરવા નહીં પડે. તમામને બધા પૈસા ચૂકવી દેવાશે.’