



આપણા પૂર્વજો દ્વારા પહેલાં સજીવ ખેતી કરવામાં આવતી હતી. ધીમે ધીમે ૨સાયણોનો વપરાશ ચાલુ થવાથી સજીવ ખેતી ધીરે ધીરે લુપ્ત થવાના આરે આવીને ઉભી છે. પરંતુ સભાન લોકોની ઉદાત્ત ભાવના, દીર્ઘદ્રષ્ટિ અને સતત પ્રયત્નોથી ધરતીમાતા અને માનવ વચ્ચેના કુદ૨તી. સંબંધો પુનઃપ્રસ્થાપિત કરીને સજીવ ખેતીમાં નવેસરથી પ્રાણ પુરવાનો પ્રયત્નો થઈ ૨હ્યા છે. સજીવ ખેતીને હવે વ્યાપક સ્વીકૃતિ મળવા લાગી છે અને તે દ્વારા વાણિજ્યીક, સામાજિક અને પર્યાવરણ પ્રત્યેની વચનબધ્ધતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જે અંતર્ગત કોલેજ ઓફ એગ્રિકલ્ચર, ભરુચ અને નવસારી કૃષિ યુનિવર્સિટિના પ્રયાસોથી સજીવ ખેતી – ટકાઉ કૃષિનો વૈજ્ઞાનિક અભિગમ વિષય પર વેબીનાર યોજેલો હતો તેમજ રાજ્યના કુલ 3૦3 સહભાગીઓ એ ભાગ લીધો હતો. આ તબક્કે ડો. આનંદ કસવાલાએ સજીવ ખેતીમાં સંશોધિત પોષણ વ્યવસ્થાપન, ડો. ટી. યુ. પટેલે સજીવ ખેતીમાં નીંદણ વ્યવસ્થાપન, ડો. જે. જે. પસ્તાગિયા એ સજીવ ખેતીમાં પાક સંરક્ષણ તેમજ કીટકશાસ્ત્ર નિષ્ણાંત ડો. પ્રમોદકુમાર દુબે સજીવ ખેતી – સર્ટિફિકેશન અને બજાર વ્યવસ્થાપન વિષય પર સંબોધન આપ્યું હતું અને અંકલેશ્વરના નિપુલ પટેલે (સજીવ ખેતી કરતાં ખેડૂત) પોતાના અનુભવો કહ્યા હતા.નવસારી કૃષિ યુનિવર્સિટિના કુલપતિ ડૉ. જીણાભાઈ પી પટેલ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં સજીવ ખેતીએ આપણી જીવનશૈલી નો ભાગ બનાવવો પડશે.
તદુપરાંત, સજીવખેતી વિષે વિસ્તૃતમાં જણાવતા કહ્યું હતું કે સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને બીજા ૨સાયણોનો વપરાશ કર્યા સિવાય સેન્દ્રિય ખાતરો, મિશ્રપાક પધ્ધતિ, પાકની ફેરબદલી, લીલો પડવાશ કરી જમીનની ફળદ્રુપતા જાળવવી, કુદ૨તી જીવાતો અને રોગ નિયંત્રણ કરતા કીટકોનું સંરક્ષણ કરવું તથા રસાયણોના વપરાશ વગર નિંદણ નિયંત્રણ કરી ઉત્પાદન મેળવવાની પધ્ધતિ છે. જેનું લક્ષ્ય ૨સાયણોના અવશેષ વગરનું ગુણવત્તાયુકત ઉત્પાદન થાય તે છે.