



અંકલેશ્વરમાં 5 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર યુવાનને શોધીને પિતાએ માર મારતા ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું. જોકે ત્યાર બાદ અંકલેશ્વર પોલીસે હત્યા કરવાના આરોપસર પુત્રીના પિતાને જેેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.જેની મદદે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનો પરિવાર આવ્યો છે.
અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળા ઉપર એક યુવકે નજર બગાડી બાળકીને પટાવી ફોસલાવી શૌચાલયમાં લઇ ગયો હતો. જ્યાં તેણે માસુમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેને મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ બાળકીના પિતાને થતાં તેણે આરોપી લાલુ રાજુ બિહારીને શોધી નાખ્યો હતો. પિતા અને અન્ય લોકોએ લાલુ બિહારીને ઢોર માર મારતાં તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.સદર ઘટનામાં પોલીસે બાળકીના પિતાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
જોકે બાળકીના પિતાની આર્થિક હાલત બરાબર નહીં હોવાથી ભરૂચ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં મનીષ મિસ્ત્રીને ઘટનાની જાણ થતાં તેમણે બાળકીના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકીના પિતા જેલમાં હોવાથી પરિવારનું ગુજરાન ચાલી શકે તેમ નથી. આવા સંજોગોમાં બાળકીના પિતા નિર્દોષ છુટે તે માટે નીચલી કોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધીની લડત માટેનો તમામ ખર્ચ મનીષ મિસ્ત્રી તથા તેમનો પરિવારે ઉઠાવાનો નીર્ધાર કર્યો છે.