



ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ હજારો વાહનોથી ધમધમતો રહે છે. તાલુકામાં આવેલા ક્વોરી ઉદ્યોગ, લિગ્નાઇટ પ્રોજેકટ તેમજ રેતીની લીઝોના કારણે રોજીંદા હજારોની સંખ્યામાં ભારદારી વાહનોની અવર જવર રહે છે. જેના કારણે છેલ્લા કેટલા સમયથી આ રોડ પર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો હતો. જેના પગલે ગામે ગામ લોકોની સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉઠી હતી. સ્થાનિકોની માંગના પગલે ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. વસાવાના અને ફુલવાડી ગામના આગેવાન નરેન્દ્ર પટેલના પ્રયાસોથી સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે. કામગીરી માટે ઝઘડિયા જીઆઇડીસીએ સહયોગ પૂરો પાડ્યો હતો. સ્પીડ બ્રેકર મુકાવાના કારણે સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે.