



રાજ્યમાં કોરોનાની બીજી વેવ શરૂ થઇ ગઇ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસો વધે નહીં તે માટે કલેક્ટરે તકેદારીના પગલાં ભરવા માટે આરોગ્ય વિભાગ તેમજ પાલિકા તંત્રને તાકીદ કરી છે. ત્યારે શહેરમાં પાલિકા અને આરોગ્યની ટીમો દ્વારા કોરોનાના સુપર સ્પ્રેડર ગણાતાં ફેરિયાઓના સ્ક્રિનિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે બે દિવસમાં બન્ને શહેરોમાં કુલ 1666 ફેરિયા-દુકાનદારોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જોકે, તેમાં હજી એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી.તહેવારોની મોસમ પુરી થતાની સાથે જ હવે કોરોનાની બીજી વેવ શરૂ થઇ ગઇ છે.
જેની સૌથી વધુ અસર અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં જોવા મળતાં સરકારને કર્ફ્યૂ લાદવાની ફરજ પડી હતી. બીજી તરફ ભરૂચ જિલ્લામાં પણ કેસની સંખ્યા વધવા લાગતાં જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડિયાએ આરોગ્ય વિભાગ તેમજ અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી તકેદારીના પગલાં ભરવા સૂચના આપી હતી. જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા તેમજ અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ સાથે મળી શહેરમાં કોરોનાના સુપર સ્પ્રેડર ગણાતાં ફેરિયાઓ તેમજ દુકાનદારોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે.ભરૂચ નગરપાલિકાની ટીમે ગઇકાલથી ફેરિયાઓની સ્ક્રિનિંગનો આઠમો રાઉન્ડ શરૂ કર્યો છે. જેમાં ઓમકારનાથ ઠાકોર હોલ પર 344 ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે આજે આરોગ્ય અને પાલિકાની ટીમે શક્તિનાથથી શ્રવણ ચોકડી તેમજ પાંચબત્તીથી શક્તિનાથ રોડ પર ઉભા રહેતાં 266 ફરિયાઓને તપાસ્યાં હતાં. બીજી તરફ અંકલેશ્વર પાલિકા દ્વારા 4 જેટલી ટીમોની રચના કરવામાં આવી હતી. જેમાં 205 લારી તેમજ શાકભાજી વિક્રેતા, 861 દુકાન તેમજ 1066 લોકો સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અને લોકો કોરોના મહામારી સામે લેવાતા તકેદારી ના પગલાં અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર રહેલ લોકો 1900 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
અત્યાર સુધીમાં7 રાઉન્ડ પુરા કર્યાં છે હવે 600 લોકો તપાસ્યાં
ભરૂચ શહેરમાં કોરોનાને ડામવા માટે સતત કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે ફેરિયાઓના સ્ક્રિનિંગની પ્રક્રિયા હાથ ધરાઇ છે. અત્યાર સુધીમાં 7 રાઉન્ડ પુરા કર્યાં છે અને 8માં રાઉન્ડમાં અત્યાર સુધીમાં 600 લોકોને તપાસાયાં છે. જોકે, હજી સુધી તેમાં એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી .- સંજય સોની, મુખ્ય અધિકારી, નગરપાલિકા, ભરૂચ
વહિવટી તંત્ર તો સજ્જ છે, લોકોએ પણ જાગૃતિ રાખવી જરૂરી છે
કોરોનાના કેસોને અંકુશમાં લેવા માટે તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. ઉતરાંત જિલ્લામાં 34 ધન્વંતરી રથો પણ ફેરવવામાં આવી રહ્યાં છે. કોરોના સામે લડવા વહિવટી તંત્ર સંજ્જ છે. જોકે લોકોએ પણ જાગૃતિ રાખવી તેટલી જ જરૂરી છે. – ડો. એમ. ડી. મોડિયા, કલેક્ટર