



યુથ કોંગ્રેસથી લઇ 45 વર્ષ સુધી સાથ નિભાવનાર સાથીને અમે ગુમાવ્યો : આઝાદ
કોંગ્રેસે પોતાનો પાયાનો સ્તંભ ગુમાવ્યો: આનંદ શર્મા
કેયુર પાઠક – મર્હુમ અહેમદભાઇ પટેલના પરિવારને સાંત્વના આપવા માટે શનિવારના રોજ રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્મા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડ્ડા અંકલેશ્વર ખાતે આવ્યા હતા. સાથે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસના ટોચના નેતા મર્હુમ અહેમદભાઈ પટેલના નિધન બાદ શનિવારના રોજ રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા તેમજ એમના પારિવારિક મિત્ર ગુલામ નબી આઝાદ સહિતના કોંગી આગેવાનોએ તેમના પરિવારજનોની પિરામણ ગામ ખાતે મુલાકાત લીધી હતી અને આશ્વાસન પાઠવ્યું હતું.
શનિવારના રોજ ગુલામ નબી આઝાદ ઉપરાંત પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડ્ડા તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ શનિવારે પિરામણ ગામ ખાતે આવી પહોંચ્યા હતા.
તમામ મહાનુભાવોએ પિરામણ ગામે અહેમદ પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમના પુત્ર ફૈઝલ પટેલ તથા પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકીને મળીને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ તેઓ મર્હુમ અહેમદભાઇ પટેલના પાર્થિવ દેહને જ્યાં દફનાવવામાં આવ્યો એ કબ્રસ્તાનમાં ગયા હતા અને ત્યાં દુઆ-બંદગી ગુજારી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસ લઈ અમારો સંબંધ રહ્યો છે 45 વર્ષ સુધી અમે લોકો સાથે હતા અને સંસદ ભવનમાં સંસદનું સત્ર પૂરું થયા પછી કેવું છે જ્યારે પણ સમય મળે ત્યારે અમે ચાર જણા બેસી ને વ્યૂહાત્મક ચર્ચા વિચારણા કરતા જેમાં હું, આનંદ શર્મા, અહેમદભાઈ પટેલ તથા અન્ય નેતાઓ હાજર રહેતા. તેઓ વિચક્ષણ અને કુશાગ્ર બુદ્ધિના હતા. કોંગ્રેસને સદૈવ એમના જેવા વ્યૂહકાર અને રાજનીતિજ્ઞની ખોટ સાલશે.
આનંદ શર્માએ ઊંડો શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અહેમદભાઈ પટેલને ગુમાવવાનો રંજ હંમેશા રહેશે. કોંગ્રેસે એક પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિત્વ ગુમાવ્યું છે, સાથે જ કોંગ્રેસના પાયાથી કોંગ્રેસનું ઘડતર કરનાર એક આધારસ્તંભ ગુમાવી દીધો છે. એમની કમી પૂરી કરવી ખૂબ જ મુશ્કેલ છે. આજે ખરેખર એમને પુષ્પાંજલિ આપતા હૈયું ભરાઈ આવે છે.
તમામ મહાનુભાવોએ તેમના પરિવારજનોને આશ્વાસન આપીને ત્યારબાદ વિદાય લીધી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, કદીરભાઈ પીરજાદા, રાજેન્દૃસિંહ રણા, યુનુસ પટેલ, ભુપેન્દૃ જાની, અને પરીવાર જનો ઉપસ્થીત રહ્યા હતા.