



– નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!
– લગ્નના આગલા દિવસે મંડપ અને સાંજે લાપસી જમણ યોજી કુલ 400 સંબંધીઓને સાચવી લેવાય!
સામાજીક જુગાડ કોને કહેવાય તે લગ્નપ્રસંગોમાં જોવા મળી રહ્યું છે. બહોળો પરિવાર, સંબંધો અને મિત્રવર્તુળ હોય તેવા પરિવારો લગ્નમાં સંબંધ સાચવવા ચાર પ્રસંગ અને ચાર જમણવાર યોજી રહ્યાં છે. 100થી વધુ લોકો ન હોવા જોઈએ તેવા નિયમ વચ્ચે લોકોએ આ જુગાડુ પદ્ધતિ અમલમાં મુકી છે. કાયદાની તોડમરોડ સામે પોલીસ 100 માથાં જ ગણી રહી છે.
કોરોનાને અટકાવવા માટે લગ્નપ્રસંગમાં હાજર રહેનારાંની સંખ્યા 200થી ઘટાડીને 100 કરી દેવામાં આવી છે. વર્તમાન સંજોગોમાં સામાન્ય પરિવારમાં પણ 200 થી 300 લોકોનું રસોડું થાય એ સ્વાભાવિક છે.
પણ, કોરોનાના કારણે માત્ર 100 લોકોની મંજુરી હોવાથી જે લોકો બહોળો પરિવાર અને મિત્ર વર્તુળ ધરાવે છે તેવા પરિવારો અસમંજસમાં આવી ગયાં છે. 1000 લોકોની ગણતરી હોય તેવા સંજોગોમાં અડધા લોકોને કટ કરીને 500 લોકોને આમંત્રણ આપી 100-100 લોકોના ચાર જમણવાર યોજવા ચાર પ્રસંગ કરવામાં આવી રહ્યાં છે.
સંબંધ જાળવણી માટે સામાજીક જુગાર કરતાં અમુક પરિવારોએ લગ્નના આગલા સાવ અંગત લોકોના મંડપના જમણવારમાં સંખ્યા વધારી સંબંધી મહિલા સભ્યોને તેમાં ઉમેરી દેવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત સાંજના સમયે લાપસી જમણ યોજવામાં આવી છે. જ્યારે, લગ્ન એટલે કે જાન પછી છેવટે રિસેપ્શન યોજવામાં આવે છે.
આ રીતે એક જ લગ્નમાં કુલ 4 પ્રસંગોમાં જમણવાર યોજીને 400 લોકોને સાચવી લેેવામાં આવે છે. પોલીસ અિધકારી સૂત્રોએ જણાવ્યું કે, લગ્નપ્રસંગમાં કેટલા પેટા પ્રસંગ હોય તેવી સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કે 100થી વધુ લોકો એકત્ર થયાં હોય તેમ જણાશે તો કાયદેસર કાર્યવાહી કરાશે.