



કેન્વોય વચ્ચે અટવાયેલી બે એમ્બ્યુલન્સમાં શ્વાસ અને હાર્ટના દર્દીને સારવાર માટે અમદાવાદ લઇ જવાતા હતા
કોરોના વેક્સિનની તૈયારીની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેે સવારે ચાંગોદરમાં આવી પહોચ્યા હતા. આ જ સમયે ઝાયડસ બાયોટેક પાર્ક સામે દર્દીને સારવાર માટે લઇને આવતી બે એમ્બ્યુલન્સ કોન્વોય વચ્ચે અટવાઇ ગઇ હતી. પોલીસે સમય સૂચકતા વાપરીને રસ્તો કરીને અમદાવાદ તરફ રવાના કરી હતી.
કોરોના વેક્સિનની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન મોદીનું ચાંગોદર હેલિપેડ ઉપર આગમન થયું હતું ત્યારે સવારે ૯.૪૫ કલાકે વડા પ્રધાનની કાર આગળ પાછળ કોન્વોય સહિત પોલીસ કાફલો ઝાયડસ બાયોટેક તરફ આવી રહ્યો હતો.જોગાનું જોગ આ જ સમયે બાવળા તરફથી દર્દીને લઇને બે એમ્બ્યુલન્સ આવી પહોચી હતી. પોલીસે પૂછપરછ કરતાં એક એમ્બ્યુલન્સમાં શ્વાસની તકલીફ વાળી વ્યક્તિ હતી તેમને હોસ્પિટલમાં તાત્કાલીક દાખલ કરીને ઓક્સિજન આપવાનો હતો. જ્યારે બીજી એમ્બ્યુલન્સમાં હાર્ટની તકલીફ વાળા દર્દી હતા.
પોલીસે સમય સૂચકતા વાપરીને વડાપ્રધાનના કોન્વોયને અડચણ ન થાય તે રીતે બરીકેટ હટાવીને એમ્બ્યુલન્સને રોન્ગ સાઇડમાં રસ્તો કરી આપીને બન્ને એમ્બ્યુલન્સ સમયસર અમદાવાદ હોસ્પિટલમાં પહોચાડી દીધી હતી.