



ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી આઠ તબક્કામાં પૂર્ણ મતદાન થશે
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યા પછીની સૌથી પ્રથમ ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૫૨ ટકા મતદાન થયું હતું. જિલ્લા વિકાસ પરિષદ(ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કાઉન્સિલ)ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જો કે કુલગામમાં પથ્થરમારાની સામાન્ય ઘટના બની હતી.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનર કે કે શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે જમ્મુ ડિવિઝનમાં ૬૪.૨ ટકા અને કાશ્મીર ડિવિઝનમાં ૪૦.૬૫ ટકા મતદાન થયું હતું.
જમ્મુના રિયાસી જિલ્લામાં સૌથી વધુ ૭૪.૬૨ ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું જ્યારે આતંકવાદથી અસરગ્રસ્ત પુલવામા જિલ્લામાં સૌથી ઓછું ૬.૭ ટકા મતદાન થયું હતું.
કાશ્મીરમાં સૌથી વધુ મતદાન બડગામમાં ૫૬.૯૬ ટકા નોંધવામાં આવ્યું હતું. આજે કાશ્મીરની ૨૫ ડીડીસી બેઠકો અને જમ્મુની ૧૮ ડીડીસી બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યું હતું.
કલમ ૩૭૦ દૂર કરવાથી પાકિસ્તાન શરણાર્થીઓને પ્રથમ વખત મતદાન કરવાની તક મળી હતી. મતદાન કર્યા પછી તેમની આંખોમાંથી આંસુ સરી પડયા હતાં. આ અગાઉ આ શરણાર્થીઓને ફક્ત લોકસભા ચૂંટણીમાં જ મતદાન કરવાનો અધિકાર મળતો હતો.
જમ્મુની પાસે આવેલા અખનૂર તાલુકામાં પશ્ચિમી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના ૧૦૦ પરિવારોએ આજે મતદાન કર્યુ હતું. સ્વતંત્રતા પછીથી જ તેમને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા હતાં.
જમ્મુમાં પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા શરર્ણાથીઓના ૨૬ હજાર પરિવાર વસે છે. કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યા પછી રાજ્યની કોેઇ ચૂંટણીમાં તેમને મતદાન કરવાની પ્રથમ વખત તક મળશે. જે પૈકી આજની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૧૦૦ પરિવારોએ મતદાન કર્યુ હતું.