



- રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામનબી આઝાદ, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ પિરામણ આવ્યા
- અહમદ પટેલના સપના પરિવાર સાથે મળી પૂરા કરીશું: આઝાદ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના નિધનના પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ દિલ્હીથી રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામનબી આઝાદ અને હરિયાણાના માજી મુખ્યમંત્રી સહિતના નેતાઓ દિલ્લીથી સુરત એરપોર્ટ આવ્યા હતા. જ્યાંથી અંકલેશ્વરના પિરામણ ગામે પહોંચી અહમદ પટેલનાં પત્ની, પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝને સાંત્વના પાઠવી સક્રિય રાજકારણમાં લઇ જવાનો સંકેત આપ્યો હતો. આ નેતાઓએ કબ્રસ્તાનમાં અહમદ પટેલની કબરે ફૂલો ચઢાવી દુવાઓ પઢી હતી.
સમગ્ર રાષ્ટ્રને એક નેતાની ખોટઃ ગુલાબનબી આઝાદ
રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામનબી આઝાદ, હરિયાણાના માજી મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા, તેમના સાંસદ પુત્ર દીપેન્દ્ર હુડ્ડા, સાંસદ આનંદ શર્મા, કનિષ્કાસિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે, કોંગ્રેસે બુનિયાદી સ્થંભ ગુમાવ્યો છે. તેમના અધૂરા કામ અને સપના તેમના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ સાથે મળીને પુરા કરીશું. તેમના જવાથી માત્ર ભરૂચ કે ગુજરાતને જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રને એક નેતાની ખોટ પડી છે. અહમદભાઈ સાથે અમારે છેલ્લા 40 વર્ષથી નાતો રહ્યો છે. યુથ કોંગ્રેસમાં હતા ત્યારથી અત્યાર સુધી અમે સાથે કામ કર્યું. પૂર્વ વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે, તેમની કમી માત્ર તેમના પરિવાર માટે નથી, કોંગ્રેસ પક્ષ અને દેશની રાજનીતિમાં પણ વર્તાશે. તેઓ એક સારા મિત્ર, સારા વ્યક્તિ અને નેકદિલ વ્યક્તિ હતા.