



અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મર્હુમ અહેમદ પટેલની પ્રતિમા મુકાશે,
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઠરાવ કરી નોટિફાઇડ એરિયા ઓથોરિટીને મોકલાયો
અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં અહેમદ પટેલનો જ મુખ્ય ફાળો હતો
કેયુર પાઠક – અંકલેશ્વરના પનોતા પુત્ર અને ભરૂચ નું ગૌરવ તેમજ રાજ્ય સભાના સાંસદ એવા રાષ્ટ્રીય નેતા મર્હુમ અહેમદ પટેલનું રૂણ ચૂકવવા હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ આગળ આવ્યું છે. નોંધનીય છે કે અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહત સ્થાપવાનો સૌથી પહેલો વિચાર એમનો જ હતો અને મુખ્ય ફાળો પણ એમનો જ હતો.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તાજેતરમાં જ એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉદ્યોગ મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મર્હુમ અહેમદ ભાઈ પટેલ ના દિવંગત આત્માને શાંતિ મળે એ માટે બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ જ બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રતિમા મુકવાનું નક્કી કરાયું છે. સાથે જ ઔદ્યોગિક વસાહતના કોઈ પણ સારા અને ચુનંદા રસ્તાને એમનું નામ પણ આપવામાં આવશે. આ ઉપરાંત મર્હુમ અહેમદભાઈ પટેલની દફનવિધિ જે કબ્રસ્તાનમાં કરાઈ છે ત્યાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા 500થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરાશે.
આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું હતું કે અહેમદભાઈ પટેલ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મુખ્ય સ્થાપનાકાર હતા. તેઓના અથાગ પ્રયત્નોના કારણે જ આજે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત એશિયાની અને વિશ્વની આંખમાં વસી છે અને 1200 જેટલા એકમો અહીં ધમધમી રહ્યા છે. અમે એટલે જ એમનું ઋણ ચૂકવવા આ ઠરાવ કર્યો છે તેઓ સદાય અમારા હૈયે વસતા રહેશે અને અમે આ ઠરાવ નોટિફાઇડ એરિયાને મોકલી આપ્યો છે.