



- નર્મદામાં સૂર્યાસ્ત બાદ રાત્રીના નાવડી ન ચલાવવા ભરૂચના નવાબનું ફરમાન હતુ
- સોમવારે 551મી નાનક જયંતિની કોરોનાની ગાઈડલાઈન સાથે ઉજવણી કરાશે
ભરૂચમાં પ્રસિધ્ધ ચાદર સાહીબ ગુરૂદ્વારાની ઈતિહાસ અહીંયા બોર્ડ પર લખેલો જોવા મળે છે. ગુરુનાનક સાહેબ દ્વારા ચાદર પર બેસીને નર્મદા નદીને પાર કરી હતી. તેમની આબેહૂબ પોટ્રેટ કોઈ ચિત્રકાર શ્રદ્ધાળુ દ્વારા બનાવી ગુરુદ્વારાને ભેટ આપવામાં આવી છે. જેને જોઈને દર્શને આવતા લોકો નાનકજીના ચમત્કારના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
501 વર્ષ પૂર્વે ભરૂચ પધારેલા ગુરુનાનકજીએ ચાદર પર બેસીને નર્મદા નદી પાર કરતા ગુરુદ્વારાને ચાદર સાહિબ નામ મળ્યું : ગુરુદ્વારામાં સોમવારે 551મી નાનક જ્યંતીની ઉજવણી કરાશે.ભરૂચ સહિત સમગ્ર દેશમાં સોમવારે કોવિડ19 ની ગાઈડલાઈન વચ્ચે ગુરુનાનકજી સાહેબનો 551 મો જન્મ જયંતી મહોત્સવ ઉજવાશે. શીખ ધર્મના સ્થાપક ગુરુનાનકજીએ ચારેય દિશાઓમાં ફરીને માનવતાનો પ્રચાર કર્યો હતો.
ગુરુ નાનકજી ઈ.સ 1510 થી 1515 માં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા અને ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. જે ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલી ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી પ્રચલીત થઈ છે. આ ગુરુદ્વારા પર આજે પણ દુર-દુરથી શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે.
ભરૂચ શહેરમાં કસક વિસ્તારમાં આવેલા ચાદર સાહીબ ગુરુદ્વારા ખાતે સોમવારે ગુરુ નાનકજીની 551 મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ગુરુદ્વારાના આયોજકો દ્વારા નાનક જયંતિની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દેશ અને રાજ્યમાંથી મોટી સંખ્યામાં અહીંયા ચાદર સાહીબ ગુરૂદ્વારા ખાતે દર્શને શીખબનધુઓ આવી પહોંચે છે. ગુરુદ્વારા જઈને દર્શન કરે છે. ગીતો ગાય છે અને સામાન્ય રીતે ગુરુનાનક જયંતીના આગલા દિવસે અખંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. જેમાં વહેલી સવારથીજ સત્સંગ કીર્તન અને ગુરુગ્રંથ સાહેબના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે.
ભરૂચની ગુરૂદ્વારા શીખ સમુદાય માટે આસ્થાનું ખાસ કેન્દ્ર સમાન છે. ભરૂચની ચાદર સાહીબ ગુરુદ્વારા સાથે ગુરુનાનકજીનો પ્રસંગ જોડાયેલો છે જેની લોક વાયકા મુજબ ગુરુનાનકજી જયારે ધર્મના પ્રચાર અર્થે ચારેય દિશાઓમાં નીકળ્યા હતા. તે સમયે તેઓ ભરૂચમાં ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણ માટે આવી પહોંચ્યા હતા. રાત્રીના નર્મદા નદીમાં નાવડી નહીં ચલાવવાનું નવાબનું ફરમાન હોવાથી નાનકજીએ તેમના શિષ્યને ચાદર પાથરવા જણાવ્યું હતું. ત્યાર બાદ બન્નેએ ચાદર પર બેસીને નર્મદા નદીને પાર કરી હતી. ત્યારથી અહીંયા બનેલા ગુરુદ્વારાને ચાદર સાહીબ ગુરૂદ્વારાના નામથી ઓળખવામાં આવે છે.
કોરોનાના પગલે આ વર્ષે બહારના લોકો નહીં આવી શકે
ગુરુનાનકજીના જીવન સાથે કંસળાયેલા આ પ્રસંગથી નર્મદા નદી કિનારે આવેલા ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરૂદ્વારાના નામથી દેશભરમાં મશહૂર છે. જેમના દર્શન કરવા દેશ વિદેશમાં અને પંજાબમાં વસતા શીખ સમુદાયના લોકો અહીંયા ઉમટી પડે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે અન્ય રાજ્યોમાંથી દર્શનાર્થે આવતાં લોકો આવી શકશે નહીં. ગુરૂદ્વારામાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
અને…. મર્દાનાને ચાદર બિછાવવાનું કહેતા જ ચાદર નદીમાં તરવા લાગી
ગુરુનાનકજી દેવજી ઈ.સ 1510 થી 1515 સુધી સુલ્તાનપૂર લોઢીથી ભઠીન્ડા, બિકાનેર થઇ ગુજરાતમાં આવ્યા હતા. લાહૌર, તલબંદી સુધી 80 જેટલા નાના મોટા શહેરોમાં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા. જયારે તેઓ પ્રચાર અર્થે ભરૂચ હતા ત્યારે ભરૂચમાં નવાબનું રાજ હતું. નાનકજીએ અહીંયા આવીને સાધુઓ અને લોકોને પરમાત્મા જોડે સાચી પ્રેમ અને ભક્તિથી જોડાવવાનો ઉપદેશ આપ્યો હતો.
રાત્રીના નાનકજીએ હોડી વાળાને નર્મદા નદીને પાર કરાવવા જણાવ્યું હતું. નવાબનું ફરમાન હતું કે, રાત્રીના કોઈએ નદીમાં હોડી ચલાવી નહીં. નદીમાં સનધ્યકાલ બાદ નાવડી ફેરવવા ઉપર મનાઈ હતી. તેથી નાવીકે ના પાડતાં બાબાએ તેમની સાથેના શિષ્ય મર્દાનાને આદેશ આપ્યો કે ચાદર બિછાવો અને તેમણે અને તેમના શિષ્યને રાત્રિના ચાદર પર બેસીને રાત્રીના નર્મદા નદીને પાર કરી હતી.