



તિબેટમાં ૬૦ ગીગાવોટ્સ વીજળી પેદા કરવાનો પ્રોજેક્ટ શરૂ
પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશમાં પહોંચતું બ્રહ્મપુત્ર નદીનું પાણી રોકી લેવાનું ચીનનું ષડયંત્ર
શાંઘાઈ, તા. ૩૦
ચીને ભારતમાં આવતું બ્રહ્મપુત્રનું પાણી અટકાવી દેવા માટે એક મોટું ષડયંત્ર રચ્યું છે. તિબેટમાં એક મોટો ડેમ બાંધીને પૂર્વોત્તર ભારતમાં આવતું બ્રહ્મપુત્રનું પાણી રોકી લેવાનો પ્રોજેક્ટ ચીને શરૃ કર્યો છે.
ચીનના સરકારી મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. એ અહેવાલોમાં દાવો કરાયો હતો કે તિબેટમાં બ્રહ્મપુત્ર નદીમાં એક મોટો ડેમ બનવા જઈ રહ્યો છે. એમાંથી ચીન ૬૦ ગીગાવોટ્સ વીજળી ઉત્પાદિત કરશે.
ચીનની સરકારી પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના ચેરમેન યાન હીયોંગને ટાંકીને રજૂ થયેલા ચીની મીડિયા અહેવાલમાં કહેવાયું હતું કે આ હાઈડ્રોલિક પ્રોજેક્ટ ખરા અર્થમાં ઐતિહાસિક ઓપોર્ચ્યુનિટી સર્જશે.
તિબેટિયન રાઈટ્સ એક્ટિવિસ્ટે આ અહેવાલો પછી ચિંતા વ્યક્ત કરી હતી. આ એક્ટિવિસ્ટના કહેવા પ્રમાણે ચીનનું આ ષડયંત્ર લાખો-કરોડો લોકો માટે પાણીની તંગી સર્જશે. ખાસ તો પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશના અસંખ્ય લોકો બ્રહ્મપુત્રના પાણી પર નભે છે, જો ચીન વિશાળ ડેમ બાંધીને બ્રહ્મપુત્રનું પાણી રોકી દેશે તો આ કરોડો લોકો પાણીની અછતથી પીડાશે.
આ ડેમ કેટલો વિશાળ હશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાશે કે તે વિશ્વના સૌથી વિશાળ પૈકીના એક એવા થ્રી જોર્જથી પણ ત્રણ ગણી વધુ વીજળી પેદા કરશે.
તિબેટથી નીકળીને બ્રહ્મપુત્ર નદી અરૃણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અરૃણાચલમાં આ નદીને સ્થાનિક લોકો સિયાંગ કહે છે. ત્યાંથી આ નદીનું આસામ પહોંચે છે, જ્યાંથી તે બ્રહ્મપુત્ર નામથી ઓળખાય છે. તેનું પાણી છેક બાંગ્લાદેશ સુધી પહોંચે છે.
અહેવાલો પ્રમાણે ચીન જે વિશાળ ડેમ બાંધશે તે અરૃણાચલ પ્રદેશથી ઘણો નજીક હશે. શક્ય એટલું પાણી રોકી લેવાના ઈરાદે ચીને શક્ય એટલો ભારતની નજીક ડેમ બાંધવાનું કાવતરું ઘડયું છે.
અગાઉ પણ ચીન બ્રહ્મપુત્ર નદીમાં ઘણાં ડેમો બનાવી ચૂક્યું છે, પરંતુ આ વિશાળ ડેમ ભારત અને બાંગ્લાદેશ સુધી પહોંચતું પાણી શક્ય એટલું અટકાવી દેવાના ઈરાદે બંધાશે. ૨૦૨૫ સુધી તેનું કામ ચાલે એવા સંકેતો પણ ચીની મીડિયાએ આપ્યા હતા.