



ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 80 હજાર હેક્ટરમાં રવીપાકનું વાવેતર કરાયું
ભરૂચ જિલ્લામાં શરૂઆતથી જ ઠંડીએ રંગત જમાવી છે. જેના કારણે શિયાળાની ઋતુ શરૂ થતાં જ ધરતીપુત્રો રવિપાકની વાવણીમાં જોતરાઇ ગયાં હતાં. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 80 હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે. ત્યારે ઠંડીની મોસમ ઘઉં માટે ફાયદાકારક હોઇ આ વર્ષે 10 હજાર હેક્ટરમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે. જ્યારે 26 હજાર હેક્ટરમાં જિલ્લાનો મુખ્ય પાક ગણાતાં શેરડીનું વાવેતર કર્યું છે તેમજ 38 હજાર હેક્ટરમાં તુવેર સહિતના પાકોની વાવણી કરી છે.
ચોમાસામાં અતિવૃષ્ટીમાં પાક નુકશાની વેઠનાર ખેડૂતોની મીટ હવે રવિપાકની ઉપજ પર મંડાઇ છે. ભરૂચ જિલ્લામાં આ વર્ષે અતિવૃષ્ટીમાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે, શિયાળાની શરૂઆત સમયસર થઇ જતાં જગતના તાતે પુન: ખેતરની વાટ પકડી છે. ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુની રંગત જામતા ખેડૂતો રવિપાકમાં જોતરાઇ ગયાં છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 80 હજાર ઉપરાંત હેક્ટરમાં ધરતીપુત્રોએ રવિપાકોનું વાવેતર કર્યું છે. જેમાં 32 ટકા વાવણી શેરડીની કરી છે. જ્યારે 10 ટકા જેટલું વાવેતર ઘઉંનું અને અન્ય 47 ટકા વાવેતર કઠોળનું થયું છે.
ભરૂચ જિલ્લામાં શેરડી અને તૂવેર મુખ્ય પાક હોઇ આ વર્ષે 26 હજાર હેક્ટરમાં શેરડીનું વાવેતર કરાયું છે. જોકે 40 હજાર હેક્ટરમાં લામનો પાક ઉભો રહ્યો છે. જ્યારે તુવેરનું વાવેતર આ વર્ષે વધીને 26 હજાર હેક્ટર એટલે કે 32.99 ટકા જેટલું નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં રવી સીઝનમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, શેરડી, શાકભાજી, કઠોળ તેમજ શેરડી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે.
ડીસેમ્બર મહિનાના અંત સુધીમાં શિયાળાની બરાબર જમાવટ નહિ થાય ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવશે. જોકે, હાલમાં રવીપાકો માટે અનુકુળ વાતાવરણ ઉભું થતાં ખેડૂતોમાં અનોખી ઉર્જાનો સંચાર થયો છે.
અનુકુળ વાતાવરણ રહેતાં રવિ પાકોને ફાયદો થાય તેવી શક્યતા
ભરૂચ જિલ્લામાં ગત ત્રણ વર્ષના સરેરાશ મુજબ સામાન્યત: 85 હજાર હેકટરમાં રવિપાકોનું વાવેતર કરાતું હોય છે. વર્ષે કુલ 80 હજાર હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં શિયાળામાં એકદમ અનુકુળ વાતાવરણ રહેતાં રવિ પાકોને ફાયદો થાય તેવી શક્યતા છે. તેમજ ખેતિવિશેષજ્ઞો જણાવી રહ્યાં છે.
અસર શું: ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો
ભરૂચ જિલ્લામાં શિયાળાની જમાવટ થવાના કારણે ઘઉં અને ચણાના પાકને ફાયદો થશે. આ બંને પાક માટે 15 થી 17 ડીગ્રી જેટલું તાપમાન જરૂરી હોય છે. આ વર્ષે સમયસર ઠંડી શરૂઆત થતાં ઘઉં અને ચણાનું વાવેતર કરતાં ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે. ચોમાસાની ઋતુમાં અતિવર્ષા થવાને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું. જોક, આ વર્ષે પહેલેથી જ ઠંડીની મોસમ જામતાં ખેડૂતોને ફાયદો થશે.
જિલ્લામાં ખેડૂતો કઠોળના પાક તરફ વળ્યાં
ભરૂચ જિલ્લામાં રવી સીઝનમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, શેરડી, શાકભાજી, કઠોળ તેમજ શેરડી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે. તેમાંય શેરડી અને તુવેરનું વાવેતર વધું હોય છે. જોકે આ વર્ષે પણ 26 હજાર હેક્ટરમાં શેરડી તેમજ 26 હજાર હેક્ટરમાં તુવેર મળી કુલ 37 હજાર હેક્ટરમાં કઠોળની વાવણી ખેડૂતોએ કરી છે. દર વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોએ કઠોળનું વાવેતર વધુ કર્યું છે.
ચોમાસામાં નુકશાન થયું , હવે રવિપાક સારો થાય તેવી આશા
ચોમાસામાં અનરાધાર વરસાદ વરસતાં ખેતીને ભારે નુકશાન થયું છે. સરકાર સહાય આપે છે. પરંતુ ખેતીમાં થયેલાં નુકશાનની ભરપાઇ તેનાથી થતી નથી. આ વર્ષે શિયાળાની ઋતુ સમયસર છે.ઠંડીનો ચમકારો પણ છે. ત્યારે રવિપાક સારો થાય તેવી આશા છે. > શૈલેષ પટેલ, બોરભાઠા.