



કોરોનાના ટેસ્ટની કિમત માટે રાજ્ય સરકારની જાહેરાત
ખાનગી લેબોરેટરીમા RTPCRનો ટેસ્ટ જે રૂપિયા ૧૫૦૦ માં થતો હતો તે હવે રૂપિયા ૮૦૦ મા કરાશે
ખાનગી લેબોરેટરી વાળા ઘરે જઈને કે અન્ય હોસ્પિટલમા જઈને સેમ્પલ લઈને ટેસ્ટ માટે જે ૨૦૦૦ રૂપિયા વસુલતા હતા તે હવે રૂ ૧૧૦૦ જ વસુલી શકશે
ભરત ચુડાસમા – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં પ્રવર્તી રહેલ કોરોના ની સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાને લઇને અને નાગરિકો ના હિતને ધ્યાને લઈને ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં પણ ઘટાડો કરવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ કોર ગ્રૂપની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે જેનો રાજયભરમાં આજ થી અમલ થશે
નાયબ મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે, કોરોનાના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે જેતે સમયે જે દર નક્કી કરાયા હતા તેમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે.રાજ્યમાં જે તે સમયે ટેસ્ટ માટેની કિટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી આજે હવે કીટની સંખ્યામાં અને કિટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ નિર્ણય કરાયો છે .
તેમણે ઉમેર્યુ કે,ખાનગી લેબોરેટરીમાં જે RTPCR ટેસ્ટ કરવા માટે રૂપિયા ૧૫૦૦ નિયત કરાયા હતા તે ઘટાડીને હવે રૂપિયા ૮૦૦ કરવામાં આવ્યા છે એટલે કે સાતસો રૂપિયાનો ઘટાડો કર્યો છે એ જ રીતે ખાનગી લેબોરેટરીના ટેકનિશિયન લોકોના ઘરે જઈને કે અન્ય હોસ્પિટલમાં જઈને સેમ્પલ લઇને જે ટેસ્ટ કરતાં હતા તેનો દર રૂપિયા ૨૦૦૦ વસુલવામાં આવતો હતો તેમાં પણ રૂપિયા ૯૦૦નો ઘટાડો કરાયો છે એટલે હવે આ ટેસ્ટ પણ રૂપિયા ૧૧૦૦ માં કરવામાં આવશે.