



ભારતની સરહદોની રક્ષાની મહત્વની ભૂમિકા નિભાવી રહેલા સરહદી સુરક્ષા દળ અર્થાત બીએસએફનો આજે 56મો સ્થાપના દિન છે. સમગ્ર દેશમાં તેની બીએસએફ દિવસ તરીકે ઉજવણી થતી હોય છે.
1965માં પાકિસ્તાને ગુજરાતના કચ્છની સરહદી ચોકીઓ પર હુમલો કરી દીધા પછી ભારત સરકારે 1 ડિસેમ્બર 1965 ના રોજ BSFની રચના કરી હતી. BSFના પ્રથમ ચીફ કે.એફ. રુસ્તમજી હતા. ભુજ BSF સેકટર ખાતે પણ આજે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં જવાનો માટે બડા ખાના અને મનોરંજન કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અપર્ણ કરવામાં આવ્યા હતા. ભારતના પાંચ કેન્દ્રિય સશસ્ત્ર પોલીસદળોમાં બીએસએફનો સમાવેશ થાય છે.
સમગ્ર વિશ્વનું બીએસએફ સૌથી મોટું સીમા સુરક્ષા દળ છે. BSF હાલમાં 188 બટાલિયન ધરાવે છે. બીએસએફ 6 હજાર 385 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય બોર્ડરની સુરક્ષા કરે છે. સરહદો દુર્ગમ રણ, નદી ખીણ વિસ્તારથી માંડીને હિમાચ્છાદિત પ્રદેશો સુધી ફેલાયેલી છે.