



- જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે છતાં મેડિકલ વેસ્ટનો ખુલ્લામાં જોખમી નિકાલ
- નવી ઊભી કરાયેલી મેડિકલ કોલેજ તરફ જવાના માર્ગ ઉપર કચરાપેટીની બાજુમાં વેસ્ટ ઠલવાયો
ભરૂચ સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ મુદ્દે હંમેશા લોક ચર્ચામાં રહેતી હોય છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી કચરા પેટીની બહાર જ કોઈ વ્યક્તિઓ દ્વારા કોરોનાની સારવારમાં વપરાતી પીપીઈ કીટ અને ઈન્જેકશનો સહીતનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દેવામાં આવતા હોસ્પિટલ સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. જેને લઈને લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. આ મામલે હોસ્પિટલના સિવિલ સર્જને આ વેસ્ટ અમારો નહીં હોવાનું રટણ કરીને પોતાનો બચાવ કર્યો હતો. જોકે જીપીસીબીને પણ જાણ કરાતાં ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવીને મેડિકલ વેસ્ટના નમૂના લઇને તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં દિવાળી અને નવાવર્ષના તહેવાર બાદ કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે સવારના સમયે ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલમાં મેડિકલ કોલેજ તરફ જવાના માર્ગ ઉપર આવેલી કચરાપેટીની બહાર જ પીપીઇ કીટ અને ઇન્જેકશનનો જથ્થો કોઈ લાપરવા વ્યક્તિઓ દ્વારા નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જેની જાણ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નિકાલ કરવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. સામાન્ય રીતે હોસ્પિટલના મેડીકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવાનો હોય છે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય સ્થળોએથી પણ જાહેરમાં નિકાલ કરી દેવાયેલો મેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો. આ મામલાની જાણ જીપીસીબી અને આરોગ્ય વિભાગના અધિકારીઓને થતા તેઓ તેમની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવીને મેડિકલ વેસ્ટના નમૂના લઈને તપાસ હાથ ધરી હતી.
આ મેડિકલ વેસ્ટ અમારો નથી, બહારથી આવીને કોઈ અહીંયા નાખી ગયું હઈ શકે
ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડીકલ વેસ્ટના નિકાલ માટે ખાનગી સંસ્થાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ મેડીકલ વેસ્ટ અમારી હોસ્પિટલનો નથી.અમારા ત્યાં મેડિકલ વેસ્ટ લેવા માટે રોજે રોજ ગાડી આવે છે. કદાચ કોઇ દર્દીને લઇને આવેલી એમ્બયુલન્સના સંચાલકોએ જાહેરમાં વેસ્ટ નાંખી દીધો હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે.અને જો કોઈ કસૂરવાર હશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી પણ કરીશું. – ડૉ.આર.એમ.જીતીયા -સિવિલ સર્જન, ભરૂચ