



- માતા-પિતાએ આખી રાત બાળકને શોધ્યો પણ ન મળતા પોલીસને જાણ કરી હતી
- પોલીસે ઘરની આસપાસ શોધખોળ કરતા બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો
અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં રમતા-રમતા 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. અંકલેશ્વર GIDC પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે શોધખોળ કરતા બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો
અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં રવિવારે રાત્રે 3 વર્ષના શહેજાદ નામના બાળકને સુવડાવી રહી હતી. આ સમયે અચાનક જ બાળક ઘરની બહાર રમવા માટે જતો રહ્યો હતો. માતાને જાણ થતાં પરિવારને જાણ કરી હતી અને આખી રાત માતા-પિતાએ બાળક શહેજાદને શોધ્યો હતો, પરંતુ ન મળતા અંકલેશ્વર GIDC પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘરની આસપાસ બાળકની શોધખોળ કરતા તેનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બાળકના પિતા કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે
મૃતક બાળકના પિતા કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને રાત્રે પિતા કામ પરથી ઘરે આવ્યા બાદ બાળક રમતા-રમતા પાણીની ટાંકીમાં પડી ગયો હતો.

બાળકના મૃતદેહનું પીએમ પણ કરાયું
અંક્લેશ્વર પંથકમાં માસુમ બાળકો સાથે વારંવાર અણબનાવની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે બાળકના ગુમ થવાથી અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં. બીજી તરફ આજે તેનો મૃતદેહ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી મળી આવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જોકે, તેમ છતાં અન્ય કોઇ કારણથી તેનું મોત થયું છે કે કેમ તે જાણવા તેનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું હતું.
એક મહિના પહેલાં જ રહેવા માટે આવ્યાં હતાં
કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં આફતાબ શેખ પહેલાં પરિવાર સાથે મીરાનગર વિસ્તારમાં રહેતાં હતાં. જે બાદ છેલ્લાં એક મહિનાથી તેઓ લક્ષ્મીનગર ખાતે રહેવા માટે આવ્યાં હતાં. હાલમાં તેઓ નવા જ રહેવા આવ્યાં હોઇ પરિવારજનો વિસ્તારથી વાકેફ ન હતાં. બાળકો પણ વિસ્તારથી અજાણ હોઇ રાત્રી ઘરેથી નિકળેલો શહેબાઝ રસ્તો ભુલી ગયો હોવાનું પણ અનુમાન લગાવાઇ રહ્યું હતું.
પોલીસે ઘટનાની ગંભીરતાને લઇ CCTV ફૂટેજ તપાસવા માટેની કવાયત હાથ ધરી
માસુમ બાળકો સાથે બનતા બનાવોને લઇને 3 વર્ષના શાહબાઝના ગુમ થવા અંગેની ફરિયાદ આપવા તેના પિતા અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે આવતાં પોલીસે મામલાને ગંભીરતાથી લીધી હતી. પોલીસે તેની ફરિયાદ નોંધવા સાથે વિસ્તારમાં આવેલાં સીસીટીવી ફૂટેજ તપાસી બાળકની ભાળ મેળવવા માટેની કવાયત શરૂ કરી હતી. જોકે, તે પહેલાં જ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
અન્ય બાળકોએ રમતી વખતે અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડુબેલાં શહેબાઝને જોયો
રાત્રીના સમયે ઘરમાંથી ગુમ થયેલાં શહેબાઝને શોધવા માટે આખી રાત્રી પરિવારજનો અને વિસ્તારના લોકોએ જહેમત ઉઠાવી હતી. જોકે તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. આજે સવારે તેના પિતા પોલીસ ફરિયાદ આપવા ગયાં હતાં. દરમિયાનમાં વિસ્તારમાં રહેતાં બાળકોએ રમતી વેળાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં જોતાં તેમાંથી 13 કલાક બાદ શહેબાઝનો મૃતદેહ મળી આવ્યો હતો.