



- 5 મહિનામાં સૌથી ખરાબ હવા પ્રદૂષણ નવેમ્બરમાં જોવા મળી
- ઓગસ્ટ મહિનો હવા પ્રદૂષણના મામલે છેલ્લા 5 મહિનામાં સૌથી સ્વચ્છ રહ્યો : ઓક્ટોબર-નવેમ્બર માસમાં હવા પ્રદૂષણની સ્થિતિ કથળી
અંકલેશ્વર શહેરમાં નવેમ્બર માસ હવા પ્રદૂષણના મામલે સૌથી ખરાબ રહ્યો હતો. શિયાળાની શરૂઆત થતાં જ ઔદ્યોગિક એકમો વાળા વિસ્તારમાં ભારે હવા નીચે બેસતાં પ્રદૂષણની માત્રા પણ વધુ જણાઈ છે. છેલ્લા 5 મહિનામાં એર પોલ્યુસન ઈન્ડેક્ષના આંકડા મુજબ સૌથી ખરાબ હવા પ્રદૂષણ નવેમ્બર માસમાં રહ્યુંં હતું. જેમાં હવા પ્રદૂષણ મામલે અંકલેશ્વર શહેર 12 દિવસ યલો ઝોનમાં, 9 દિવસ ઓરેન્જ અને 2 દિવસ રેડ ઝોનમાં રહ્યું હતું.
જ્યારે 5 મહિનામાં ઓગસ્ટ માસ હવા પ્રદૂષણના મામલે સૌથી સ્વચ્છ રહ્યો હતો. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં હવા પ્રદૂષણની સ્થિતિ કથળી હતી. એક્ષપર્ટના મતે હવા પ્રદુષણ થવાના ત્રણ મુખ્ય કારણો હોય છે જેમાં ઔદ્યોગિક પ્રદૂષણ, શિયાળાની જમાવટ વાતવરણમાં ભેજ, ઉડતી ડસ્ટ જવાબદાર છે.
છેલ્લા 5 મહિનાના કેન્દ્ર સરકારના સીપીસીબી દ્વારા ઓનલાઇન એર મોનિટરિંગ કરવામાં આવે છે જે ઈન્ડેક્ષના સત્તાવાર આંકડા જોતા જુલાઈના 11 દિવસ સૌથી સારા – ગ્રીન ઝોન, 12 દિવસ સંતોષકાર, લાઈટ ગ્રીન ઝોનમાં હવાની માત્રા જોવા મળી હતી. જ્યારે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 23 દિવસ ગ્રીન ઝોન, 3 દિવસ સંતોષકાર હવાની માત્રા રહી હતી. સપ્ટેમ્બરમાં એકપણ દિવસ સારી હવા જણાઈ નહોતી.
ઓક્ટોબરમાં 4 દિવસ સંતોષકાર, 18 દિવસ સામાન્ય પ્રદૂષિત, અને 3 દિવસ વધુ પ્રદુષિત હવા રહી હતી. નવેમ્બરમાં 12 દિવસ સંતોષકાર, 9 સામાન્ય પ્રદૂષિત અને 3 દિવસ અત્યંત ખરાબ ( રેડ ઝોન )માં હવા પ્રદૂષણની માત્રા રહી હતી.
અંકલેશ્વરને દેશનું સૌથી પ્રદૂષિત શહેર બનતા તંત્ર અટકાવવું જોઈએ
પાંચ મહિનામાં અંકલેશ્વરમાં નવેમ્બર માસનું હવાનું AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) સૌથી ખરાબ આવ્યું છે.હવાના પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણમાં ઉદ્યોગોનું પ્રદુષણની સાથે રસ્તાઓની ઉડતી ધૂળ પણ છે. શિયાળાની ઋતુ માટે સરકાર તરફથી ઉદ્યોગો માટે કોઈ એકશન પ્લાન બનાવ્યો છે કે કેમ? આપણા અંકલેશ્વર વિસ્તારને દિલ્હી જેવું પ્રદુષિત શહેર બનતું અટકાવવા સરકાર પગલાં જરૂરી છે.> સલીમ પટેલ,પ્રકૃતિ સુરક્ષા મંડળ