



ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલના મેડિકલ કોલેજ તરફ જવાના માર્ગ ઉપર કચરા પેટીની બહાર જ કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પીપીઇ કીટ અને ઇન્જેકશનનો જાહેરમાં જ નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
જોકે સદર મામલે સિવિલ હોસ્પિટલના સંચાલક સિવિલ સર્જને આ મેડિકલ વેસ્ટ તેમનો નહીં હોવાનો જણાવી તેમના દ્વારા તો રોજ આ આવતા કોન્ટ્રાકટથી બાયો મેડિકલ વેસ્ટ લઈ જનારને આપવામાં આવે છે. જો કોઈ બહારથી દર્દીને મુકવા આવેલી એમ્બ્યુલન્સના સંચાલકે આ મેડિકલ વેસ્ટ અહીંયા નાખી ગયો હોવાનું જણાવ્યું હતું.જોકે સોશ્યલ મીડિયામાં વિડીયો વાઇરલ થતા આરોગ્ય વિભાગ સહીત જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યાા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી મેડિકલ વેસ્ટના નમૂના લઇને તપાસ હાથ ધરી હતી. જ્યારે જીપીસીબી વિભાગની ટીમે પણ સ્થળ નિરક્ષણ કરીને તેનો રિપોર્ટ તેમણે ગાંધીનગર હેડ ઓફિસ ખાતે મોકલી આપવાનું જાણવા મળ્યું છે.