



ભરત ચૌધરી : રાજ્યના દરેક જિલ્લાના ખેડૂતોને બેંક દ્વારા ક્રેડિટ વિતરણની વ્યવસ્થા કરવામાં આવે તે માટે નાબાર્ડ દ્વારા પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું પાટણ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.
ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ પેદાશોનું એકત્રિકરણ થીમ પર નાબાર્ડ દ્વારા પાટણ જિલ્લા માટે તૈયાર કરવામાં આવેલા પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન ૨૦૨૧-૨૨નું કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. આ અંગે વાત કરતાં નાબાર્ડના ડી.ડી.એમ શ્રી રાકેશ વર્માએ જણાવ્યું કે, વિવિધ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી પાટણ જિલ્લામાં વર્ષ ૨021-૨2 માટે નાબાર્ડના પી.એલ.પી.માં રૂ.૪,૪૧૫.૮૯ કરોડના બેન્ક ધિરાણની શક્યતાઓનું આકલન કરવામાં આવ્યું છે.
વધુમાં શ્રી વર્માએ જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂ.૨,૦૫૬.૪૪ કરોડ (૪૬.૫૭%), મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂ.૧,૨૨૨.૮૮ કરોડ(૨૭.૬૯%), એમ.એસ.એમ.ઈ સેકટર માટે રૂ.૩૯૬.૦૦ કરોડ (૮.૯૭%) અને એક્સપોર્ટ, શિક્ષા, હાઉસિંગ, રિન્યુએબલ એનર્જી અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અન્ય પ્રાથમિકતાવાળા ક્ષેત્રો માટે રૂ.૫૬૩.૬૫ કરોડ (૧૨.૭૬%)નું આકલન કરવામાં આવ્યું છે. પી.એલ.પી ના આકલન પ્રમાણે જિલ્લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના લીડ બેંક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને જિલ્લાની બેંકો દ્વારા ધિરાણના ટાર્ગેટ પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવે છે.
પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન ૨૦૨૧-૨૨ના અનાવરણ પ્રસંગે નાબાર્ડના ડી.ડી.એમ શ્રી રાકેશ વર્મા, લીડ બેંક મેનેજરશ્રી મણીભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, બેંક ઑફ બરોડના ચીફ મેનેજરશ્રી આર.પી.ચેટરજી ઉપસ્થિત રહ્યા હતા.