



કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના ચાલી રહેલા આંદોલનનો આજે આઠમો દિવસ હતો, ત્યારે આજે પણ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સરકાર અને કૃષિ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ચોથા તબક્કાની વાતચીત થઈ હતી.
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, આ બેઠક સકારાત્મક રહી હતી અને સરકાર એપીએમસી પર વિચાર કરશે.
જો કે આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી તેથી 5 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ફરીથી બેઠક થશે. ખેડૂત પ્રતિનિધિઓ સાથેની બેઠક પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે ગૃહમંત્રી અમિત શાહની તેમના નિવાસે કૃષિ સુધારા કાયદા અંગે ચર્ચા કરી હતી.
બેઠકના અંતે પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે કૃષિ સુધારા કાયદા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પંજાબનું અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું હોવાથી પ્રશ્નનો ઉકેલ તાકીદે લાવવાની જરૂર છે.