



– દિવાળીના મહિનામાં શિપની વધુ આવકથી રાહત
– છ માસમાં 102 શિપ અલંગની આખરી સફરે પહોંચ્યા
૨૦૨૦નું વર્ષ અલંગ ઉદ્યોગ માટે ચડાવ-ઉતાર ભર્યું રહ્યું છે. પ્રથમ કોરોનાનું ગ્રહણ બાદ મંદીના વાગેલા ડાકલાએ આ વ્યવસાય સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા હજારો લોકોની ચિંતા વધારી હતી. ખાસ કરીને સપ્ટેમ્બર માસ અલંગ ઉદ્યોગ માટે ઘણાં વર્ષો બાદ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ અલંગની ગાડી ફરી પાટે ચડવા લાગી હોય તેમ સતત બીજા મહિને જહાજની સંખ્યામાં વધારો નોંધાયો છે. દિવાળીના માસ ઓક્ટોબરમાં અલંગ ખાતે ૧૯ શિપ આવ્યા હતા.
વિશ્વના સૌથી મોટા જહાજવાડા અલંગમાં ગત માસ ઓક્ટોબરમાં ૧૯ શિપ આખરી સફર ખેડવા આવી પહોંચ્યા હતા. નવા કાયદા બાદ અલંગ ઉદ્યોગમાં તેજીનો દોરીસંચાર થવાની આશા હતી. પરંતુ હજુ અલંગ ઉદ્યોગે જાન્યુઆરીમાં તેજીનું ડગલું માંડયું ત્યાં જ વૈશ્વિક મહામારી કોરોનાએ મંદી તરફ ધકેલી દીધો હતો. ત્યારબાદ અનલોકના તબક્કામાં અલંગ શિપબ્રેકીંગ યાર્ડ બેઠો થવા લાગ્યો ત્યાં સપ્ટેમ્બર માસમાં માત્ર ૬ શિપ આવતા શિપબ્રેકરોની ચિંતામાં વધારો થયો હતો. જો કે, ત્યારબાદ ઓક્ટોબરમાં જહાજોની સંખ્યા ડબલથી વધુ થઈ ૧૫એ પહોંચી હતી. જેમાં વધારાનો દૌર ગત માસે પણ જોવા મળ્યો હતો. નવેમ્બરમાં ૧૯ શિપ અલંગ ખાતે ભંગાવા આવ્યા હતા. વર્ષ ૨૦૧૮ના નવેમ્બર માસ બાદ ચાલુ વર્ષના નવેમ્બરમાં જહાજની સંખ્યા ૧૯ રહી છે. પાછલા છ માસમાં કુલ ૧૦૨ જહાજ અલંગની આખરી સફરે પહોંચ્યા હતા.