



સંજય પાગે – વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે સૌથી મોટી વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બરોડા ડેરી)નીનાં 13 ઝોનનાં ડિરેક્ટરોની આગામી તા.28 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટેનાં ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ અને સહકારી ક્ષેત્રના આગેવાનો સહિત 48 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.
બરોડા ડેરીનાં 13 ઝોનનાં ડિરેક્ટરોની ચૂંટણીમાં બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ (દિનુ મામા), ઉપપ્રમુખ જી.બી. સોલંકી, સતીષ પટેલ (નિશાળીયા), રણજીતસિંહ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા, જગદેવસિંહ પઢીયાર, દિલીપ નાગજી પટેલ સહિત સહકારી આગેવાનોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ઉમેદવારી પત્રો ભરવાના આજે અંતિમ દિવસ હોઈ આજે પણ મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા. કોવિડ19ની ગાઈડલાઇન મુજબ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
તા.7 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો ચકાસવામાં આવશે. અને10 ડિસેમ્બરથી તા.17 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો રહેશે.
તા.28 ડિસેમ્બરના રોજ બરોડા ડેરી ખાતે મતદાન થશે અને તા.29 ડિસેમ્બરના રોજના રોજ બરોડા ડેરી ખાતેજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
13 ઝોન માંથી પાવિજેતપૂર ઝોનમાં માત્ર એક જ ઉમેદવાર ફોર્મ ભરતાં રણજીતસિંહ રાઠવા તેમજ નસવાડી ઝોનમાં પણ એક ઉમેદવાર જી.બી. સોલંકીનું ફોર્મ ભરાતા બંને ઉમેદવારો બિન હરીફ તરીકે ચૂંટાયા હતા. આ વિષે ચૂંટણી અધિકારીએ વિજય પટણી એ માહિતી આપી હતી.