



જંબુસર સહારા ઈન્ડિયા બ્રાન્ચમાં શહેર તથા તાલુકાની જનતાએ કરોડો રૂપિયા મૂક્યા હતા. જે પાકતી તારીખે પરત મેળવવા ધરમધક્કા ખાઈ રહી છે, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. સહારા ઇન્ડિયાની આશરે ૧૯૭૮ માં સ્થાપના થઈ હતી. જેમાં અલગ અલગ સેક્ટર્સ હેઠળ કામગીરી કરવામાં આવતી હતી.
જંબુસર શહેરમાં પણ ત્રીસ વર્ષ પહેલાં સહારા ઇન્ડિયા બ્રાન્ચ કાર્યરત કરવામાં આવી હતી. બ્રાન્ચ દ્વારા સેવિંગ્સ એફડી ઈન્શ્યોરન્સ સહિતની કામગીરી એજન્ટો દ્વારા કરવામાં આવતી. જેથી જંબુસર શહેર અને તાલુકાની જનતાએ વિશ્વાસ મુકી કરોડો રૃપિયાનું રોકાણ કરેલ. તેનું ૨૦૧૭ પહેલા રેગ્યુલર ગ્રાહકોને પેમેન્ટ થતું હતું. પરંતુ ૨૦૧૭ થી સહારાના ગ્રાહકોની પનોતી બેઠી હોય તેમ તમામના નાણાં અટવાયાં છે.
હાલ પણ જે તે ગ્રાહક ને નાણાં મેળવવાની પાકતી તારીખો થતી હોય સહારા ઈન્ડિયા જંબુસર બ્રાંચ ખાતે ગ્રાહકો મોટી સંખ્યામાં પોતાના નાણાં મેળવવા આવતા હોય છે. પરંતુ ફરજ પરના કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબો નહીં મળતા ગ્રાહકોને જાણે ધરમનો ધક્કો પડ્યો હોય તેમ એક જ જવાબ મળે છે, ટૂંક સમયમાં દરેકની રકમ મળશે ઉપરથી જવાબ મળશે એટલે તમને જણાવીશું. કયા કારણસર ગ્રાહકોના કરોડો રૃપિયા સલવાયા છે તેની સમજણ ગ્રાહકોને પડતી નથી. જેને લઇ લોકોમાં અસંતોષ ફેલાયેલો જોવા મળે છે.
જંબુસર બ્રાન્ચ મેનેજર દ્વારા પણ વખતો વખત ખોટા વાયદાઓ આપી ધક્કા ખવડાવવામાં આવતા હતા. જેને લઇ આજરોજ કિન્નર સમાજ અગ્રણી રાખીકુંવર તથા નિલમકુંવર સહારા બ્રાન્ચ જંબુસર ખાતે પહોંચી જઈ પોતાની પાંચ લાખ ઉપરાંતની રકમ અંગે ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. તેમની રકમ પાંચ લાખ ઉપરાંતની ૨૦૧૭ માં પાકતી તારીખ હતી. તેમ છતાંય સહારા ઈન્ડિયા દ્વારા આજદિન સુધી તેમની પાકતી રકમ આપવામાં આવેલ નથી.
તેમની રજુઆતોને ધ્યાને લઇ બ્રાન્ચ કર્મચારીએ હેડ ઓફિસ અલકાપુરીના રાજેશભાઇ દ્વારા ટેલિફોનિક વાતચીત કરવા જણાવ્યું હતું. ટેલિફોનિક વાતચીત દરમ્યાન સોમવારે લખનઉ હેડ ઓફિસ દ્વારા તારીખ આપવામાં આવશે તે દિવસે જંબુસરથી રકમ મળી જશે. તેમ ઠાલા વચન આપવામાં આવ્યાં હતાં. આમ સહારા ઈન્ડિયા દ્વારા જનતાને ઉલ્લુ બનાવી ખોટા વાયદાઓ કરવામાં આવે છે. જેને લઇ ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.