



સાંજે કચેરીનો સમય પૂર્ણ થયા બાદ પણ કચેરી ધમધમતી રહે છે…?
ઉચ્ચ કક્ષાએ થયેલી રજૂઆતો બાદ તપાસનો રેલો આવ્યો ?
કેયુર પાઠક – અંકલેશ્વર પ્રાંત અધિકારી તેમજ મામલતદાર કચેરીના સંકુલમાં જ આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગેરકાયદેસર કામો થતા હોવાની રજૂઆતને પગલે શનિવારના રોજ ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની તપાસનો રેલો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આધારભૂત વર્તુળ દ્વારા મળતી માહિતી અનુસાર સબ રજિસ્ટ્રાર કચેરીમાં રોજ સાંજે કચેરીનો સમય પૂર્ણ થયા બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવતાં શનિવારના રોજ આ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. જોકે ગાંધીનગર સુધી થયેલી રજૂઆત અંગે પણ અગાઉથી ઓફિસના અધિકારીઓને સૂચના મળી જતાં તમામ પુરાવા દૂર કરી દેવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગે સબ રજીસ્ટ્રાર રાવલ અને રથવીનો સંપર્ક કરતા બંનેના ફોન નો રીપ્લાય આવ્યા હતા. આ ઉપરાંત ભરૂચ ખાતે સબ રજીસ્ટ્રાર નાયબ કલેકટર પ્રિતેશ પટેલનો સંપર્ક કરતા તેમનો ફોન પણ નો રીપ્લાય થયો હતો. જોકે મળતી આધારભૂત માહિતી અનુસાર હજુ તપાસ ચાલુ જ છે અને આગળ જે તથ્યો સામે આવશે એ મુજબ પગલાં લેવાશે.
નોંધનીય છે કે આ અગાઉ પણ અંકલેશ્વર મામલતદાર કચેરી અને ખાસ કરીને સબ રજીસ્ટાર કચેરીમાં કચેરીનો સમય પૂર્ણ થયા પછી પણ મોડે સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના અહેવાલો પણ પ્રકાશિત થયા હતા. તેમ છતાં સરકારી બાબુઓના આ કાંડ અંગે ઉચ્ચ અધિકારીઓ સદંતર મૂક પ્રેક્ષક બનીને ઉદાસીનતા સેવતા હતા. ત્યારે હવે આ દિશામાં આગળ શું પગલાં લેવાશે એ જોવું રહ્યું.