



– ચૂંટણીનો સમય નજીક આવતાં વાતાવરણ ઉગ્ર બન્યું
– ટીએમસીના હુમલામાં અમારા સાત કાર્યકર ઘવાયા : ભાજપના આરોપો ટીએમસીએ ફગાવ્યા
બારાબાની,
પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ફરી ઘર્ષણ થયું છે. પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં આ ઘટના બની છે જ્યાં બન્ને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવી જતા હિંસા થઇ હતી. જેને પગલે કેટલાક ઘવાયા હતા જ્યારે કેટલાક મકાનોમાં પણ તોડફોડ થઇ છે.
પોલીસ રિપોર્ટ અનુસાર બન્ને દ્વારા સામસામે બોમ્બમારો પણ કરાયો હતો. જેને પગલે ભાજપે હવે આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરાયો હતો જ્યારે આ જ પ્રકારનો આરોપ ટીએમસીએ ભાજપ પર લગાવ્યો છે. અહીં ભાજપની રેલી યોજાઇ રહી હતી ત્યારે આ ઘર્ષણ થયું હતું.
કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ આરોપ લગાવ્યો હતો કે આ સમગ્ર ઘટના પાછળ ટીએમસી કાર્યકર્તાઓ જવાબદાર છે, તેઓએ સૌથી પહેલા ભાજપના કેડર પર હુમલો કર્યો હતો. જ્યારે સૃથાનિક ટીએમસી નેતા જિતેન્દ્ર તિવારીએ દાવો કર્યો હતો કે ટીએમસી પર ભાજપે લગાવેલો આરોપ પાયા વિહોણો અને જુઠો છે.
ટીએમસીની છાપ ખરાબ કરવા માટે ભાજપે આ આરોપો લગાવ્યા હતા. જ્યારે ટીએમસી પ્રવક્તા કુનાલ ઘોષે કહ્યું હતું કે આ ઘર્ષણ ભાજપમાં અંદરો અંદર જ થયું છે અને તેમાં ટીએમસી ક્યાં પણ સામેલ નથી. પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની છે જે પહેલા જ ઘર્ષણ વધતું જાય છે.