



- ઝઘડિયાના ગોવાલી ગામેથી ઓવર લોડ અને રોયલ્ટી વિના રેતી વહન કરતાં 6 વાહનો ઝડપાયાં
- અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ચાલતો ગેરકાયદે માટી ખનનનો કારસો ઝડપી પાડ્યો
ભરૂચના ખાણ ખનીજ વિભાગની ટીમે ઝઘડિયાના ગોવાલી તેમજ અંક્લેશ્વરના ઉછાલી ગામે દરોડાં પાડ્યાં હતાં. જેમાં ગોવાલી ગામેથી ગેરકાયદે રીતે રોયલ્ટી વિના અને ઓવરલોડ રેતી ભરીને જતી 3 ટ્રક અને 3 ડમ્પરને ઝડપી પાડી કુલ 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અંક્લેશ્વરના ઉછાલી ગામે ચાલતી માટી ખનનની ગેરપ્રવૃત્તિ પર ટીમે દરોડો પાડી હિટાચી તેમજ ટ્રક જપ્ત કરી હતી. બન્ને કેસમાં વિભાગ દ્વારા નોટિસ ફટકારવા સાથેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે નર્મદા નદીના પટ પરથી ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતી હોવાની ફરિયાદ ઝઘડિયા પ્રાંત અધિકારીને મળી હતી. જેેના ભાગરૂપે પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ભરૂચની ખાણ ખનીજ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગામમાંથી રેતીનું વહન કરતી 3 ટ્રક તેમજ 3 ડમ્પર ઝડપી પાડ્યાં હતાં. જેમાં તપાસ કરતાં 3 વાહનોમાં રોયલ્ટી વિના જ રેતીનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વાહનોમાં 4થી 5 ટન જેટલી ઓવરલોડ રેતી ભરી હોવાનું જણાયું હતું. જેના પગલે ટીમે તમામ વાહનો સહિત કુલ 1.25 કરોડની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.
બીજી તરફ ભરૂચ જિલ્લા ખાણ ખનિજ વિભાગને ફરિયાદ મળી હતી કે, અંક્લેશ્વરના ઉછાલી ગામે ગેરકાયદે રીતે માટી ખનન થઇ રહ્યું છે. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં એક હિટાચી મશીન તેમજ ટ્રક મળી આવી હતી. તેમજ ખનીજ ચોરોએ સ્થળ પરથી અંદાજે 1 હજાર ટનથી વધુ માટીનું ખનન કર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું હતું. ટીમે તુરંત એક્શન લઇ અંદાજે 85 લાખની મત્તાના બન્ને વાહનો જપ્ત કરી અંક્લેશ્વર પોલીસને સોંપવાની કવાયત હાથ ધરી હતી.
બન્ને કિસ્સાઓમાં તંત્રે નોટિસ સહિતની કાર્યવાહી શરૂ કરી છે
ગેરકાયદે રેતીનું વહન કરવાની તેમજ માટી ચોરીની ફરિયાદોના આધારે તુરંત ટીમોને એક્ટિવ કરી કાર્યવાહી કરાવી હતી. ગોવાલી ગામે રેતીની લીઝ ધારકને નોટીસ આપવાની કવાયત ચાલી રહી છે. બીજી તરફ અંક્લેશ્વરના ઉછાલી ગામે પણ માટી ચોરી કરનારાઓની સામે કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી છે. – કેયૂર રાજપરા, ભુસ્તરશાસ્ત્રી, ભરૂચ
ઉછાલી ગામમાં સર્વેયરની ટીમ દ્વારા માપણી કરાવામાં આવશે
અંક્લેશ્વરના ઉછાલીની સીમમાં ગેરકાયદે રીતે માટીનું માટી ચોરી થઇ રહ્યાની ફરિયાદ ટીમને મળી હતી. જેથી ટીમે દરોડો પાડી હિટાચી તેમજ ટ્રક જપ્ત કરી છે. જેના પગલે ભુસ્તર વિભાગની સર્વેયરની ટીમ દ્વારા માપણી કરી કસુરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગોવાલીના ધનરાજસિંહ ઠાકોરની લીઝમાંથી રેતીનું વહન કરાયું હતું
ગોવાલીથી ગેરકાયદે રેતીનું વહન કરતા ઝડપાયેલાં 6 વાહનો અંગેની તપાસ કરતાં તે વાહનોએ સીમમાં આવેલી ધનરાજસિંહ ઠાકોરની રેતીની લીઝમાંથી રેતી ભરી હોવાનું બહાર આવ્યું હતું.જેથી ભૂસ્તર વિભાગે તેને નોટીસ ફટકારવાની કવાયત હાથ ધરી છે.