



કોરાનામાં હજારો લોકો મરેે છે છતાં માસ્ક ન પહેરી ફરતા 21.40 લાખ બેદરકાર લોકો દંડાયા
વિશ્વ આખુ કોરોનાની મહામારીમાં સપડાયું છે,તેમાંયે ખાસ કરીને દિવાળીના તહેવારો બાદ તો કોરોનાનો વિસ્ફોટ થતાં હોસ્પિટલમાં બેડ તથા આઇસીસીયુ પણ હાઉસફૂલ થઇ ગયા છે તેમજ હજારો લોકો મોતને ભેટી રહ્યા છે આમ છતાં પણ લોકોની આદત સુધરતી નથી અને હજુ પણ નાગરિકો કોરોનાને હળવાશથી લઇ રહ્યા છે. એટલું જ નહી માસ્ક પણ પહેરતા નથી, પોલીસે માસ્ક નહી પહેરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આઠ મહિનામાં માસ્ક ન પહેરીને અને જાહેરમાં થુકીને ૨૧.૪૦ લાખ ગુજરાતીઓએ રૃા. ૯૩.૫૬ કરોડ જેટલી માતબરની રકમનો દંડ ચૂકવ્યો છે.
ગુજરાતમાં ઘણા સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે, સરકારે લોક ડાઉન ઉઠાવી લીધા બાદ ધંધા રોજગોર રાબેતા મુજબ થતા પુન ઃ જન જીવન ધબકતુ થયું હતું. જો કે સરકારે છૂટછાટ આપતાં નાગરિકોએ કોરોનાને હળવાશથી લેવાનું શરૃ કરી દીધું હતું. તેમાંયે ખાસ કરીને દિવાળીના તહેવારોમાં તો લોકો બે ફિકર થઇને ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડયા હતા, જેથી ભારે ભીડના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના બેકાબુ બનતાં દિન પ્રતિદિન કોરાનાના કેસોમાં ચિંતાજનક વધારો થવા લાગ્યો છે. તેમ છતાં કોઇ કામ ન હોવા છતાં લોકોે બહાર લટાર મારવા નીકળી પડતા હતા આખરે સરકારે કોરોના સંક્રમણને કાબુમાં માટે અમદાવાદ, વડોદરા , સુરત અને રાજકોટમાં રાત્રિ કરફયૂં લાદી દીધો છે, તેમ છતાં આજની તારીખે લોકો બહાના બતાવીને રખડવા નીકળી પડતા હોય છે.
ગુજરાત પોલીસ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા આઠ મહિનામાં કરફયૂ તથા જાહેરનામા ભંગના કુલ ૬૦,૪૦૦ લોકો સામે ગુના નોધવામાં આવ્યા છે, પોલીસે માસ્ક નહી પહેરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશો આપ્યા હતા, તેમ છતાં માસ્ક ન પહેરીને અને જાહેરમાં થુકીને જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. પોલીસે ગુજરાતના કુલ ૨૧, ૪૦,૩૮૪ લોકો પાસેથી રૃપિયા ૯૩,૫૬,૯૪,૬૦૦ જેટલી માતબરની રકમનો દંડ વસૂલ કર્યો છે.ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ બદલ રાજ્યમાં કુલ ૪,૯૨,૩૨૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ ગુજરાતમાં જાહેર કરાયેલા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વિશેષ તકેદારી રાખવા તથા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન અસરકારક પગલાં ભરવા પણ આદેશ આપવામાં આવ્યા છે, તેમજ હાલમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગોમાં નિયમોથી વધુ જનસંખ્યા ભેગી ના થાય તે જોવા અને રાજકીય સહિતના મેળાવડા અથવા સામાજીક પ્રસંગોમાં નિયમોથી વધુ લોકો એકઠા ન થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવવામાં આવ્યું છે.