



– રૂા. ૬૪૪ કરોડની યોજના થકી ૩૬ શહેરો અને ૧૨૯૮ ગામડાંની ૩૩ લાખની જનતાને પીવાનાં પાણીનો લાભ મળશેઃ રૂપાણી
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે રાજ્ય સરકારે સૌની યોજનાના એક ભાગ જેવી નાવડા-ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનો શુભારંભ કરીને નેવાના પાણી મોભે ચડાવ્યા છે. રાજ્યભરના કિસાનોને ધરપત આપતા કહયું કે રાજ્યના કિસાનોની વીજળી અને પાણીની જરૂરિયાતો પૂરી કરવા રાજ્ય સરકાર સંપૂર્ણતયા પ્રતિબદ્ધ છે. ઓછા વરસાદની કુદરતી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના લોકોને હિજરત ન કરવી પડે તે માટે રાજ્ય સરકાર ગુડ ગવર્નન્સના માધ્યમ થકી પરિપૂર્ણ આયોજન કરી રહી છે. નર્મદા પાઇપલાઇન અને ડિસેલિનેશન પ્લાન્ટસના સમન્વય થકી સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની નેમ વ્યક્ત કરી ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી પરિપ્લાવિત થયેલી સૌની યોજના વર્ષ-૨૦૨૧માં પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ સાથે તેમણે છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાં કરેલા રૂ. ૧૯૭૬ કરોડના વિકાસકામોની આછેરી ઝલક રજૂ કરી હતી.
મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૬૪૪ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનું ઇ-ડિજિટલ તકતી અનાવરણ થકી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનાથી અમરેલીના ધારી, બાબરા અને સાવરકુંડલા સહિત જુનાગઢ, પોરબંદર, બોટાદ, રાજકોટ જિલ્લાના ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની ભવિષ્યની કુલ ૩૩ લાખની વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે.
દીપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ અમરેલી જિલ્લાના મહાનુભાવો તથા શ્રેીઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. નાવડા-ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાની વિગતો દર્શાવતી ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું આ પ્રસંગે પ્રસારણ કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વર્તમાન સંજોગોમાં વધેલી પાણીની જરૂરિયાતની પૂર્તતા આ યોજનાથી થઈ શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સંસદસભ્ય નારણ કાછડીયાએ અમરેલી જિલ્લાના કિસાનો માટે સરકારે કરેલી નાણાકીય ફાળવણી અને અન્ય લોક કલ્યાણલક્ષી યોજનાઓની ટૂંકી વિગતો વર્ણવી હતી.