



– સભા મંડપમાં આવતા નાગરીકોનું તાપમાન, સેનેટાઇઝેશન ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાયું હતું
પાલનપુર, ધાનેરા
કોરોના વાઇરસ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીનું બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર ખાતે આગમ થયું હતું. બનાસકાંઠા જિલ્લાના ત્રણ તાલુકાને પીવા માટેનું શુદ્ધ પાણી ઘરે ઘરે મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગની ૨૪૧.૩૪ કરોડના ખર્ચ વાળી શિપુ જૂથ યોજનાનું રિમોટ દબાવી ખાતમૂર્હત કર્યું હતું.
ધાનેરા તાલુકાના ૭૭ ગામડાઓને આવરી લઇ તમામ ગામોમાં પાઇપ લાઇન દ્વારા નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે માટેની યોજના શરૃ કરવા માટે આજે ધાનેરાના મહેમાન બન્યા હતા. પોતાના નિર્ધારીત સમય પ્રમાણે ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક આવેલ હેલિપેડ ઉપર ઉતરાણ કર્યા બાદ થરાદ રોડ પર આવેલ કે.આર.આજણા કોલેજ ખાતે મુખ્ય મંત્રી આવી પહોંચ્યા હતા. મુખ્ય મંત્રીના આગમને લઇ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોએ ઉભા થઇ સ્વાગત કર્યું હતું. કોરોના વાઇરસની ગાઇડલાઇન પ્રમાણે સભા મંડપમાં આવનાર તમામ નાગરિકોનું શરીરનું તાપમાન જોઇ તેમને સેનેટાઇઝર વડે હાથ ચોખ્ખા કરવા ઉપરાંત માસ્ક બાબતે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. અલગ અલગ બ્લોકમાં સામાજિક અંતર સાથે બેઠક વેવસ્થા કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય મંત્રીના મુખ્ય સ્ટેજ પર પણ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ સહિત અન્ય આગેવાનો સાથે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાથે મર્યાદિત આગેવાને જગ્યા મળી હતી. ત્યાર બાદ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના કુલ ૧૨૯ ગામોને સિપુ યોજના અંતર્ગત પીવાનું પાણી મળી રહે તે યોજનાને રીમોટ દબાવી ડીજીટલ ખાતમૂર્હત કર્યું હતું. આજે યોજાયેલ શિપુ સુધારણા યોજનાના ખાતમૂર્હત મુખ્ય મંત્રીએ બનાસકાંઠા જિલ્લાના અન્ય તાલુકામાં શરૃ થનાર પાણી પુરવઠા યોજનાની પણ જાહેરાત કરી હતી.
18 માસ પછી 77 ગામોનો પ્રશ્ન હલ થશે તેવો દાવો
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર તેંમજ ધાનેરા તાલુકાના ૭૭ ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન આગામી ૧૮ માસ પછી પૂર્ણ થશે જો કે પીવાના પાણીની સમસ્યા પછી હવે સિંચાઇ માટે પણ ગુજરાત સરકાર કેનાલ કે અન્ય કોઇ યોજના થકી ધાનેરા તાલુકાના ગામડામાં આવેલ તળાવો ભરે જેથી સિંચાઇ માટે પણ ખેડૂતોને મુશ્કેલીના પડે ને સિંચાઇના પાણીને લઇને ખેડૂતો સરકાર પાસે માગણી કરી છે.