



– 8 હજારથી વધુ સ્કૂલોના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો નિર્ણય : કોરોનાનું સર્ટિ.રજૂ કરવુ પડશે
અમદાવાદ,
રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે વાલીનું કોરોનામાં મૃત્યુ થયુ હોય તો કે જો ભવિષ્યમાં થાય તો બાળકની ભણે ત્યાં સુધી ફી માફ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં આવેલી 8 હજારથી વધુ ખાનગી સ્કૂલોના સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મહામંડળના પ્રવક્તા ડૉ.દિપક રાજ્યગુરૂએ જણાવ્યું કે રાજ્યમાં આવેલી અમારી તમામ સભ્ય સ્કૂલમાંથી કોઈ પણ સ્કૂલમાં બાળકના વાલી જો કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તો તે બાળકની સંપૂર્ણ ફી માફ કરાશે.
બાળકના માતા કે પિતા બંનેમાંથી જે પણ કામ કરતા હોય અને ફી ભરતા હોય તો બંનેમાંથી કોઈ પણ જો કોરોના સંક્રમણથી મૃત્યુ પામે તો ફી આપવાનો અમે નિર્ણય કર્યો છે. સ્કૂલમાં જ્યાં સુધીના ધોરણ હશે ત્યાં સુધી બાળકની સંપૂર્ણ ફી માફી થશે.જો કોઈ સ્કૂલમાં ધો.8 હોય કે ધો.10 હોય કે ધો.12 સુધી હોય અને બાળક જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેના પરિવારને ફી ભરવામાંથી માફી મળશે.
મહત્વનુ છે કે ઘણા બાળકોના માતા-પિતાનું કોરોનામાં મૃત્યુ થયુ છે અને પિતાનું મૃત્યુ થતા ઘણા બાળકોની ફી ભરી શકાતી નથી ત્યારે સંચાલક મંડળના આ નિર્ણયથી આવા બાળકોનું ભણવાનું નહી છુટે અને તેમના પરિવારને મોટી રાહત મળશે. પરંતુ માતા કે પિતા બંનેમાંથી જે વર્કિંગ પર્સન હોય અને તેમની આવકમાંથી ફી ભરાતી હોય તો તેમનુ કોરોનાથી જ મૃત્યુ થયાનું પ્રમાણપત્ર રજૂ કરવુ પડશે.