



ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે જંબુસર તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલા મહાપુરા ગામ સહિતના ખેડુતોની મહામુલી ખેતીને પારાવાર નુકસાન થઈ રહ્યું છે.સંજય પટેલ – જંબુસર આમોદને જોડતા માર્ગ પરથી ઢાઢર નદી વહી રહી છે. ઢાઢર નદીના પાણીથી નદીના કિનારે આવેલ મહાપુરા સહિતના ગામોના ખેડુતો નદીના પાણીનો ઉપયોગ કરી પોતાની ખેતી જીવંત રાખતા હોય છે. જંબુસર તાલુકાના નદીકાંઠા વિસ્તારના ગામડાંના ખેડૂતો ઉપર કુદરતી આપત્તિ આવતી હોય છે. ઢાઢર નદીમાં પૂર આવતાં ધાધર કિનારાના ખેતરોમાં ખેડુતોની મહામુલી ખેતી નાશ પામતી હોય છે અને ચોમાસા સિવાય માનવસર્જિત આપત્તિનો ખેડુતો સામનો કરી રહ્યાં છે.
વડોદરા તરફ આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કંપનીઓ દ્વારા ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોય અને ઢાઢર નદીના પાણીથી જ ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. કેમિકલયુક્ત પાણીને લઇ ખેડુતોની મહામુલી ખેતી કપાસ મગ તુવેર નષ્ટ પામે છે. જેને લઇ ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. ઢાઢર નદીમાં પાણીનો કલર પણ બદલાતો નજરે પડે છે. તંત્ર દ્વારા આ બાબતે ચોક્કસ ધ્યાન આપવામાં આવે અને જવાબદાર ઔદ્યોગિક એકમો સામે કડક પગલા ભરવામાં આવે તો ખેડુતોની મહામુલી ખેતી બચી શકે.