



- 200-800 ખેડૂતો ભેગા મળી ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવે છે
- ઘણા FPO મોટી કંપનીઓને સીધો જ માલ સપ્લાઇ કરે છે
- NCDEX પર પોતાના માલનું ટ્રેડિંગ કરી 10-15% વધુ ભાવ મેળવે છે
ખેડૂતોની આવક વધારવાને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. આ બધા વચ્ચે ગુજરાતના ઘણા ખેડૂતો એવા છે જે 200-800ના જૂથમાં ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) બનાવીને એટલે કે કંપની બનાવીને પોતાનાં ઉત્પાદનોને બ્રાંડ બનાવીને વેચે છે. આમ કરવાથી તેમને બજાર કરતાં 15-20% વધુ કમાણી થઈ રહી છે. આ બધું કરવામાં ખેડૂત કંપનીઓને મોટી કોર્પોરેટ કંપનીઓ પણ મદદ કરી રહી છે. ગુજરાતમાં હાલ 200 જેટલા FPO આવેલા છે, જેમાંથી અંદાજે 30-35 FPO એવા છે, જે પોતાની બ્રાંડ બનાવી પ્રોડક્ટ વેચે છે, જયારે બાકીના મોટી કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરીને માલ વેચે છે. આ ઉપરાંત કોમોડિટી એક્સચેન્જ પર પણ ખેતપેદાશો વેચવામાં આવે છે.
હજુ નાના પ્રમાણમાં કામ થઇ રહ્યું છે
FPOના ફેડરેશન ગુજપ્રો એગ્રીબિઝનેસ કન્સોર્ટિયમ કંપની લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કુલદીપ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતના FPOમાં છેલ્લાં 2 વર્ષથી આ રીતે બ્રાંડ બનાવી ખેડૂતો પોતાની પ્રોડક્ટ વેચી રહ્યા છે. હજુ આ નવી શરૂઆત છે અને એટલે જ માર્યાદિત સંખ્યામાં વેપાર થાય છે. આમ છતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઘણું ડેવલપમેન્ટ થયું છે. ધીમે ધીમે ખેડૂતો વેલ્યુ એડિશન પણ કરી રહ્યા છે. ગુજપ્રોએ આવાં ઉત્પાદનોના વેચાણ માટે અમદાવાદમાં એક સ્ટોર પણ શરૂ કર્યો છે. આગળ જતાં અન્ય શહેરોમાં પણ સ્ટોર શરૂ કરવામાં આવશે.

મોટા કોર્પોરેટ્સની મહત્ત્વની ભૂમિકા
કુલદીપ ચૌહાણે જણાવ્યું હતું કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના ભાગરૂપે રિલાયન્સ, અદાણી, ટાટા, પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ, દીપક નાઇટ્રેટ, અંબુજા સિમેન્ટ, ઇફકો, ટોકિયો સહિતના ઘણા કોર્પોરેટ્સ ખેડૂતોને કંપની બનાવવા, તેનો માલ વેચવા, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ કંપનીના ઓપરેશન સહિતની કામગીરીમાં મદદ કરી રહ્યા છે. આ બધા કોર્પોરેટ્સ ખેડૂતની કંપનીઓને લાખોનું ભંડોળ પણ પૂરું પાડે છે. આ સિવાય સરકાર તરફથી નાબાર્ડ પણ FPOની પ્રવૃત્તિમાં મદદ કરે છે.
બંધુત્વ FPO ટૂંક સમયમાં ઓઈલ મિલ શરૂ કરશે
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બંધુત્વ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની શરૂ કરવામાં આવી છે, જેમાં 800થી વધુ મગફળી ઉગાડતા ખેડૂતો ભાગીદાર છે. આ FPOએ ગત વર્ષે રૂ. 42 લાખના સિંગદાણા વેચ્યા હતા અને અંદાજે રૂ. 4 લાખનો નફો કર્યો હતો. પિડિલાઈટ વતી આ કામગીરી સંભાળતા સુરેન્દ્ર રાનાડેએ જણાવ્યું હતું કે ખેડૂતોને આ રીતે વેચાણ કરવાથી બજાર કિમત કરતાં 15-20% વધુ ભાવ મળી રહ્યા છે. આ સિવાય બંધુત્વ અલગ અલગ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG)ને સિંગદાણા સપ્લાઇ કરે છે અને SHG એને પ્રોસેસ કરી વેચાણ કરે છે. આ સિવાય હવે અમે એક ઓઈલ મિલ પણ શરૂ કરવા ધારીએ છીએ. આ વર્ષે મગફળીનો ક્રોપ સારો છે, એ જોતાં 200 ટનથી વધુનો વેપાર કરવાની ધારણા છે.


કોરોનાને કારણે પ્લાનિંગ બગડ્યા
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કોળાવા ગામની રાજેશ્વર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે 2016થી જીરાનું ટ્રેડિંગ કરીએ છીએ. રાજેશ્વર બ્રાંડ હેઠળ અમે અલગ અલગ ફૂડ ફેસ્ટિવલમાં અમારી પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ. આ સિવાય કોમોડિટી એક્સચેન્જ પર પણ અમારો માલ વેચીએ છીએ, જેથી અમને 10-15% વધુ ભાવ મળે છે. જોકે અમે આ વર્ષે કોરોનાને કારણે યોગ્ય વેચાણ નથી કરી શક્યા. અમે અમદાવાદમાં સ્ટોરમાં આનું વેચાણ કરવા માગતા હતા, જે નથી કરી શક્યા. જોકે એક્સચેન્જ પર સારા ભાવ મળવાની આશા છે. છેલ્લાં ચાર વર્ષમાં અમારું વોલ્યુમ 10 ટનથી વધીને 200 ટન સુધી પહોચ્યું છે.

એક્સચેન્જ પર ટ્રેડિંગથી રિસ્ક મેનેજ થાય છે
NCDEXના એક્ઝિક્યુટિવ વાઈસ-પ્રેસિડેન્ટ અલીન મુખર્જીએ કહ્યું હતું કે કોઈપણ પ્રોડક્ટમાં જયારે આવકનું પ્રમાણ વધે છે એવા સમયે ભાવમાં ભારે ઊતરચડાવ જોવા મળે છે. આમાં સમયે કોમોડિટી એક્સચેન્જના ઓપ્શન ટુલનો ઉપયોગ કરીને ખેડૂતો રિસ્ક મેનેજ કરી શકે છે અને નુકસાનીથી બચે છે. આ જ કારણોસર હવે એક્સચેન્જ પર FPOનું પાર્ટિસિપેશન વધ્યું છે. NCDEX પર 250થી વધુ FPOs 17 અલગ અલગ કોમોડિટીમાં ટ્રેડ કરી રહી છે. ગુજરાતમાંથી 9 જેટલી ખેડૂત કંપનીઓ ભાગ લઈ રહી છે.