



- વેક્સિન તો સરકાર જ આપશે, લેભાગુઓથી બચવા સાઇબર ક્રાઇમની અપીલ
- વેક્સિનના બહાને બેંકની ડિટેઇલ માગી છેતરપિંડી કરતા સાઇબર ગઠિયા સક્રિય
કોરોનાની રસી આવી રહી છે ત્યારે વેક્સિનના નામે ફેક ઇ-મેલ અને મેસેજ મોકલી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને કોરોનાની રસી આપવાના બહાને સાઇબર ક્રિમિનલ્સ ફેક મેસેજ મોકલી ઝડપથી વેક્સિન આપવાના બહાને રૂપિયા પડાવી રહ્યા છે. આ પ્રકારના ઈ-મેલ અને મેસેજથી સાવચેત રહેવા અને કોઈ પણ પ્રકારની અંગત માહિતી શેર ન કરવા શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ભેજાબાજો વેક્સિનના નામે લોકોને ફેક ઇ-મેલ તેમજ મેસેજીસ મોકલી રહ્યા છે
કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે, બીજી તરફ એકાદ માસમાં કોરોનાની રસી પણ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક સાઇબર ભેજાબાજોએ હવે કોરોના વાઇરસની રસીના બહાને લોકો પાસેથી પૈસા પડાવવાના કારસો રચ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. આ અંગે શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવાયું હતું કે, સાઈબર ભેજાબાજો વેક્સિનના નામે લોકોને ફેક ઇ-મેલ તેમજ મેસેજીસ મોકલી રહ્યા છે. આ ઉપરાંત કેટલીક વેબસાઇટ પણ જોવા મળી રહી છે, જેમાં લોકોને કોરોના વાઇરસની રસી આપવાના નામે લાલચ અપાઇ રહી છે.
ઓટીપી-સીવીવી કાર્ડ નંબર માગે તો અંગત માહિતી શેર ન કરો
આ ઉપરાંત સોશિયલ મીડિયાનાં અલગ-અલગ માધ્યમોમાંથી પણ વાઇરસની રસી આપવાના બહાને સાઇબર ક્રિમિનલ્સ લોકોને લલચાવી રૂપિયા પડાવી રહ્યા છે. આ પ્રકારના મેસેજ અને ઈ-મેલનો કોઈ પ્રત્યુત્તર ન આપવા તથા વેક્સિન આપવાના બહાને જો કોઈ વ્યક્તિ તમને ફોન કરીને બેંકને લગતી માહિતી અથવા તો ઓટીપી અને સીવીવી કાર્ડ નંબર માગે તો આ પ્રકારની અંગત માહિતી તેની સાથે શેર ન કરવા પણ પોલીસે અપીલ કરી હતી. ઉલ્લેખનિય છે કે, જ્યારે વેક્સિન ઉપલબ્ધ થશે ત્યારે વેક્સિન આપવા માટે પણ સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાશે અને તેની વિશેષ વ્યવસ્થા ગોઠવાશે, તે પછી જ રસી મળશે.