



ભૂખી ખાડીની ખારાશ અટકાવવા ભેંસલી ગામ પાસે ચેકડેમ બનાવો : અરૂણસિંહ રણા
ભરૂચ પાસે દરિયાના ખારા પાણી નર્મદામાં પ્રવેશતા અટકાવવા તથા મીઠા પાણીનું વિશાળ જળાશય ઉભું થાય તેવા ઉદ્દેશ સાથે રૂા.4337 કરોડની યોજના પર મંજૂરીની મહોર મારી છે.વર્ષો બાદ હવે સરકાર ભાડભૂત બેરેજ યોજનાને આગળ ધપાવી રહી છે. ત્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભૂખી ખાડીનો પ્રશ્ન ઉઠાવ્યો છે. ભાડભૂત બેરેજ બનવાથી ભૂખી ખાડીમાં દરિયાના ખારા પાણી ભરાશે તેવી શક્યતા બતાવી છે.
ભૂખી ખાડીની આસપાસના 45 ગામો ખાડીના પાણીથી પિયત ખેતી કરે છે. દરિયાના ખારા પાણી ભૂખી ખાડીમાં ભળતા 45 ગામોની ખેતી સામે ખતરો ઉભો થશે.ભૂખી ખાડીના મુખ પર ભેંસલી ગામ પાસે ચેકડેમ બનાવવાની માંગ સાથે તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે.ભાડભૂત બેરેજ બનવાથી દરિયામાંથી પ્રજનન માટે આવતી હિલ્સા માછલી આવતી બંધ થઈ જશે જેની સીધી અસર હજારો માછીમાર પરિવારો પર ઉભી થશે.માછીમારો પોતાની રોજગારી ગુમાવશે. આ માછીમાર સમાજ માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી છે.
આલિયાબેટ પર હજારો એકર જમીનમાં ઝીંગા અને મત્સ્ય ઉદ્યોગ માટે જમીન ફાળવાય તેવી માંગ કરી છે. માછીમાર સમાજને વૈકલ્પિક રોજગાર યોજના અપાય તો ભાડભૂત બેરેજ યોજનાનો વિરોધ કરી રહ્યા છે તે પણ શાંત થાય તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે.