



ભરૂચ ખાતે સયાજીનગરી એક્સપ્રેસ અને અંકલેશ્વર ખાતે સૂર્યનગરી સુપરફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ રદ કરાયું
રાજસ્થાની સમાજ ઉપરાંત ઔદ્યોગિક હબ એવા જિલ્લાના અપ-ડાઉનના મુસાફરોને હાલાકી…
કેયુર પાઠક – કેન્દ્ર સરકાર એક તરફ લોકોને યાતાયાતમાં કોઈ હાલાકી ન પડે તે માટે અનેક જાહેરાતો કરતી હોય છે ત્યારે ભરૂચ જિલ્લાને સદંતર અન્યાય થાય એવા પગલાં પણ કેન્દ્રના રેલવે મંત્રાલયે લીધા છે.
અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હંમેશા એવી વાતો કરતી હોય છે કે આ જિલ્લો ઇન્ડસ્ટ્રીયલ હબ છે. 1975 ના વર્ષમાં જ્યારે અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહત સ્થપાઈ અને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તરીકે નામના પામી ત્યારથી સતત સમગ્ર ભારતમાંથી હજારો નોકરીવાંચ્છુકો રોજગારી માટે અહીં આવ્યા અને સ્થાયી થયા. એ સાથે જ સારા કે માઠા પ્રસંગે કે તહેવારોના સમયે પરપ્રાંતીય સમાજના લોકો પોતાના વતનમાં જતાં થયા અને ક્રમશઃ એમના માટે સમગ્ર દેશના ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યો તેમજ ગુજરાતની સરહદને અડીને આવેલા મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર માટે રેલવેસેવાઓ ચાલુ થઈ. જે પૈકી ખાસ કરીને રાજસ્થાન માટે સૂર્ય નગરી એક્સપ્રેસ અને અંકલેશ્વર થી ભરૂચ થી લઈને મુંબઈથી વડોદરા સુધી અને છેલ્લે તો સૌરાષ્ટ્ર સુધી લંબાયેલી સયાજીનગરી એક્સપ્રેસની પણ શરૂઆત કરવામાં આવી હતી. જોકે હાલ સૂર્યનગરી એક્સપ્રેસને જે અંકલેશ્વર ખાતે રાજસ્થાની સમાજ માટે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું એ બંધ કરી દેવાયું છે.
આ અંગે અંકલેશ્વર ખાતે કાર્યરત યુનાઇટેડ ક્લબ ઓફ રાજસ્થાનના પ્રમુખ સુશીલભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર અંકલેશ્વરમાં 25,000 જેટલા રાજસ્થાની લોકો વસે છે જેમને માટે સૂર્યનગરી એક્સપ્રેસ એક સંકટ સમયની સાથી છે. આ સ્ટોપેજ બંધ કરી દેવાતા રાજસ્થાની સમાજે પોતાના વતનને જવું હોય તો શી રીતે જવું એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખાનગી બસોના ભાડાં તમામ પરિવારોને પોસાય એવા નથી. અમે કેન્દ્ર સરકારને પણ આ અંગે રજૂઆત કરવાના છીએ.
નોંધનીય છે કે મર્હુમ અહમદભાઈ પટેલે અંકલેશ્વરના રાજસ્થાની સમાજના લોકોની રજૂઆત અને લાગણીને ધ્યાનમાં લઈને સૂર્યનગરી એક્સપ્રેસનું અંકલેશ્વર ખાતે સ્ટોપેજ કરાવ્યું હતું. આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે જણાવ્યું હતું કે અહેમદભાઇ પટેલના પ્રયત્નોથી સૂર્યનગરી એક્સપ્રેસને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ મળ્યું હતું અને અત્યારે એ બંધ કરાયું છે એ અન્યાય છે. આ અંગે ભરૂચના સાંસદથી લઇ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયનું સુધી રજૂઆત કરવામાં આવશે.
રાજસ્થાની સમાજના આટલા મોટી સંખ્યામાં વસતા લોકો અને પરિવારો આ બાબતે અસંતોષની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે હવે એમની વહારે કોણ આવશે એ જોવું રહ્યું.