



– 12મીએ રિલાયન્સ મોલ્સ-અદાણી પેટ્રોલપંપો પર દેખાવો-પ્રોડક્ટનો વિરોધ કરાશે, આજે ખેડૂત આગેવાનોની બેઠક
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલન ચાલી રહ્યુ છે. આ ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતીએ શુક્રવારે પાટનગર ગાંધીનગરમાં ખેડૂત પાર્લામેન્ટ યોજવા નક્કી કર્યુ હતું પણ પોલીસ પરમિશન ન મળતાં આ કાર્યક્રમ રદ કરાયો છે.
પણ હવે 14મી ડિસેમ્બરે રાજ્યમાં જિલ્લા મથકોએ ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરવા નક્કી કરાયુ છે. એવી જાણકારી મળી રહી છેકે, ખેડૂતો કમલમ પર પણ દેખાવો કરી શકે છે. આ ઉપરાંત રિલાયન્સ અને અદાણીની પ્રોડકટ્સનો વિરોધ કરવા પણ નિર્ણય લેવાયો છે.
ભારત બંધના એલાનને શહેરામાં નિષ્ફળતા મળી હતી પણ ભાજપ માટે ચિંતાનો વિષય એ બન્યો છેકેે, ગ્રામ્ય વિસ્તારોમાં બંધની વ્યાપક અસર વર્તાઇ હતી. એપીએમસી,માર્કેટયાર્ડ ઉપરાંત બજારો બંધ રહ્યાં હતાં. વેપારીઓએ પણ સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતાં. કેટલાંય ગામડાઓ બંધ રહ્યા હતાં. આમ, ગુજરાતમાં ય કૃષિ કાયદાનો વિરોધ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતીના પ્રમુખ ડાહ્યાભાઇ ગજેરાએ જણાવ્યું કે, પોલીસે ખેડૂત સંસદ યોજવા મુદ્દે મંજૂરી આપી નથી જેના કારણે આ કાર્યક્રમ રદ કરવા નક્કી કરાયુ છે.
દિલ્હીથી ખેડૂત આગેવાનોએ ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરવા એલાન કર્યુ છે જેના ભાગરૂપે 14મી ડિસેમ્બરે આખાય રાજ્યમાં જિલ્લા મથકોએ આવેલાં ભાજપ કાર્યાલયનો ખેડૂતો ઘેરાવ કરશે અને કૃષિ કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરશે.
આ ઉપરાંત 12મી ડિસેમ્બરના રોજ આખાય ગુજરાતમાં રિલાયન્સ મોલ-પેટ્રોલપંપ,અદાણી પેટ્રોલ પંપ પર ખેડૂતો દેખાવો કરશે અને લોકોને રિલાયન્સ અને અદાણીની પ્રોડકટ્સ ન ખરીદવા અપીલ કરશે.
ખેડૂત આગેવાનોનો આક્ષેપ છેકે, મોદી સરકાર કૃષિ કાયદા થકી ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માંગે છે. આ કાયદાઓને લીધે ખેડૂતોને પારવાર નુકશાન પહોચશે. આજે ખેડૂત સંઘર્ષ સમિતીની બેઠક મળનાર છે જેમાં વિરોધ પ્રદર્શનને લઇને આખીય રણનીતિ ઘડવામાં આવશે. ગુજરાતમાં કૃષિ કાયદાનો વિરોધ થઇ રહ્યો છે જેના કારણે ભાજપ સરકાર પણ ચિંતિત બની છે.