



સિમેન્ટ અને કોંક્રિટના જંગલ વચ્ચે બે માનવ જીંદગીઓ આદિ માનવની જેમ જીવન વ્યતિત કરી હતી. કોઇ જમવાનું કે પાણી આપી જાય તો પેટનો ખાડો પુરવાનો નહિતર ભૂખ્યા તરસ્યા જ સૂઇ જવાનું છેલ્લા પાંચ વર્ષથી ન્હાયા – ધોયા વિના લાચારી ભર્યુ જીવન વિતાવતાં ડીસાના આ વૃદ્ધ પ્રજ્ઞાચક્ષુ પિતા અને તેમની દીકરીના વ્હારે ડીસાનું હિંદુ યુવા સંગઠન આવ્યું હતુ. જેમને બંનેને સ્નાન કરાવી નર્કાગારની સ્થિતિમાંથી બહાર લાવી વૃધ્ધાશ્રમમાં દાખલ કરી લાચારીભર્યા જીવનથી છુટકારો અપાવ્યો હતો. ડીસામાં ચંદ્રલોક કચ્છી કોલોનીના શોપિંગની બાજુમાં તૂટી-ફૂટી ઝૂંપડીમાં રહેતા વૃદ્ધ પિતા અને તેમની દીકરી અતિ દયનિય હાલતમાં જીવન ગુજારી રહ્યા હતા.
આ અંગે ડીસાના હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, સંગઠનના સુનિલભાઇ સોનીએ આ વૃદ્ધ પિતા-પુત્રી અંગે જાણ થતાં ધનશ્યામભાઇ સોની, પ્રહલાદભાઇ પ્રજાપતિ સહીત સદસ્યો સાથે જગ્યા ઉપર ગયા હતા. જ્યાં તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતા વૃધ્ધ ભાણજીભાઇ મોતીભાઇ વજીર (ઉ.વ. 80)ની આંખે મોતિયો આવી ગયો હોવાથી દેખી શકતા નથી. અને તેમની પુત્રી ટબુબેન જે માનસિક અસ્થિર છે. જેમને કોઇ જમવાનું, પાણી આપે તો પેટનો ખાડો પુરે નહીતર ભૂખ્યા તરસ્યા જ સૂઇ જતા હતા. લઘુશંકા અને શૌચક્રિયા પણ ઝૂપડીમાં જ કરતા હતા. ન જાણે કેટલાય વર્ષોથી ન્હાયા – ધોયા પણ ન હતા. આથી સૌથી પહેલા તો એમને સ્નાન કરાવ્યું હતુ. જે પછી સ્વચ્છ કપડાં પહેરાવી બંનેને ડીસાના સુદામા વૃધ્ધાશ્રમમાં મુકયા હતા.