



માવઠાથી ખેતરમાં ઉભા પાકને નુક્સાન થવાની ભીતિ
ભરૂચમાં ત્રેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આજે ગુરૂવારે દિવસભર આકાશમાં વાદળો છવાઇ રહેતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં બે દિવસમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી. દરમિયાનમાં ગુરૂવારે સાંજ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ગુરૂવાર તેમજ શુક્રવારના રોજ વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાનમાં આજે સવારથી જ જિલ્લામાં આકાશ વાદળછાયું રહેતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
દિવસભર વાદળોની ફોજ આકાશમાં જોવા મળી હતી. જોકે, વાદળછાયા વાતાવરણમાં પણ બપોરના સમયે બફારાની અસર વર્તાઇ હતી. બાદમાં સાંજના સમયે જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જોકે, કાસદ, દહેજ રોડ, આમોદ સહિતના કેટલાંક વિસ્તારોમાં નેવાધાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસવાના કારણ ખેડૂતોમાં પાકને નુકશાની થવાની દહેશત જોવા મળી હતી. જોકે, શુક્રવારે પણ વરસાદની આગાહી છે ત્યારે કમોસમી વરસાદ ન થાય તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.